(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
પગપાળા વતન જઈ રહેલા લાખો પરપ્રાંતિય મજૂરોના મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ સર્જાયું છે. આ પ્રવાસી મજૂરોને વતન પહોંચાડવા માટે કોંગ્રેસ દ્વારા એક હજાર બસો પૂરી પાડવાનો પ્રસ્તાવ રાજકીય જંગમાં અટવાઈ ગયો છે. ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, કોંગ્રેસ દ્વારા બસોની સુપરત કરવામાં આવેલી યાદીમાં સામેલ નંબરો, સ્કૂટરો, રીક્ષા તેમજ માલ-સામાન પરિવહનના વાહનોના છે. જ્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફસાયેલા મજૂરોને ઘરે પહોંચાડવા સરહદે ઉભેલી બસોને મંજૂરી નહીં આપી “હલકું રાજકારણ” રમી રહ્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અનુરોધ કર્યો હતો કે યોગી આદિત્યનાથ પરપ્રાંતિય મજૂરોની સેવા માટે આગળઆવે અને કોંગ્રેસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી ૧૦૦૦ બસોને તાત્કાલિક મંજૂરી આપે તેમજ આ મામલે કોઈ અવરોધો પેદા ન કરો. સુરજેવાલાએ યોગી આદિત્યનાથ પર અમાનવીય વર્તન અને હલકુું રાજકારણ ખોલવાનો આરોપ લગાવ્યો હતો. યોગીએ આવી હલ્કી રાજનીતિ બંધ કરવી જોઈએ તથા પ્રવાસી મજૂરોની મદદ માટે આ બસોને મંજૂરી આપવી જોઈએ.