મોરબી, તા.૧૯
હળવદ શહેરમાં આવેલ ભવાની નગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બનાવને પગલે રેલવે પોલીસ અને હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ. માટે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ શહેરમાં ભવાની નગર વિસ્તારમાં રહેતા વિપુલભાઈ દિનેશભાઈ ઠાકોર નામના યુવાને ગઈકાલે સાંજના ધાંગધ્રા રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી સામે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ પોલીસને કરાતા રેલવે પોલીસ અને હળવદ બીટ જમાદાર ભરતભાઈ આલ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિવારજનોનો સંપર્ક કરી મૃતક યુવાનની લાશને શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવી હતી. હાલ તો પોલીસ દ્વારા મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન તેના જ વિસ્તારમાં રહેતી સગીરાને ભગાડી ગયો હોય જે અંગેની ફરિયાદ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવાન પરણિત હોય અને તેને સંતાનમાં એક દીકરી પણ છે ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં પણ કાળો કલ્પાત મચી ગયો છે.