દુબઈ, તા. ૨૩
કોરોના વાયરસ રોગચાળાના બાદ ક્રિકેટની રમત ફરીથી શરૂ થશે ત્યારે આંતરાષ્ટ્રીય ક્રિકેટર્સને પોતાની કેટલીક સામાન્ય ટેવોને બદલવી પડશે. જેમ કે પ્રેક્ટિસ દરમિયાન ટોઈલેટ જવું અને મેદાન પર હાજર અમ્પાયર્સને પોતાની ટોપી અને સનગ્લાસ આપવાની મંજૂરી નહીં મળે. કોરોના વાયરસને લઈને આઈસીસી સાવચેત બન્યું છે. અને તેણે ગાઈડલાઈન્સ જારી કરી છે. ગાઈડલાઈન્સ પ્રમાણે ખેલાડી પોતાની અંગત વસ્તુઓ જેમ કે, ટોપી, ટોવેલ, સનગ્લાસ, જમ્પર્સ વગેરે અમ્પાયર્સ કે સાથી ખેલાડીઓને નહીં આપી શકે અને તેમનાથી શારીરિક અંતર પણ જાળી રાખવું પડશે. જો કે, હજુ સુધી તે સ્પષ્ટતા કરવામાં નથી આવી કે ખેલાડીઓના સામાન કોણ રાખશે. એટલું જ નહીં અમ્પાયર્સને પણ બોલ પકડતી વખતે ગ્લવ્ઝ પહેરવા પડશે કે નહીં. ખેલાડી પોતાની કેપ અને ચશ્મા મેદાન પર રાખી શકે નહીં કેમ કે જેવી રીતે હેલમેટથી પેનલ્ટી રન જાય છે તેમ આ વસ્તુઓથી પણ પેનલ્ટીના રન જઈ શકે છે. આ સાથે જ આઈસીસી ઇચ્છે છે કે, ખેલાડી મેચ પહેલા અને મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ઓછો સમય પસાર કરે. આઈસીસી ક્રિકેટ સમિતિ પહેલા જ બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ મૂકવાની ભલમાણ કરી ચૂકી છે. હવે ખેલાડીઓને બોલને અડ્યા બાદ આંખો, નાક અને મોઢાને નહીં અડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત બોલના સંપર્કમાં આવ્યા બાદ પોતાના હાથ સાફ કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રેક્ટિસ દરમિયાન પણ ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે કેમ કે તેને ટોઈલેટના ઉપયોગની મંજૂરી નહીં હોય.