ઓબીસી માટે ક્રિમી લેયરની વ્યાખ્યા બદલવાની મોદી સરકારની હિલચાલ સામે ભાજપના જ સાંસદોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે

(એજન્સી)                          તા.૨૬

ભાજપના અત્યંત કેન્દ્રિત માળખામાં પોલિસીની બાબતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાય ભાગ્યે જ કોઇ સાંસદને કઇ કહેવાની તક મળે છે. જો કે મ.પ્ર.ના લોકસભાના સાંસદ ગણેશસિંહે એક અણધાર્યા પગલાં તરીકે પત્ર લખીને આ માળખાને હચમચાવવાનો પ્રયાસ કર્યો છે.      ૫, જુલાઇએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના કલ્યાણ સાથે સંલગ્ન સંસદીય સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ ગણેશસિંહે ભાજપના જ અન્ય ઓબીસી સાંસદોને પત્ર લખીને અનુરોધ કર્યો છે કે તેઓ તમામ મેસેજ કે ટ્‌વીટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને તાકિદ કરે કે ક્રિમી લેયરની આવકમાં કોઇ ચેડા ન કરે. ગણેશસિંહે ભાજપના અન્ય સાંસદોને અનુરોધ કર્યો છે કે ઓબીસી વર્ગના લોકોની કુલ આવકમાં સેલેરી અને ખેતીની આવકને પરિવારની કુલ આવકમાં ન જોડવાની અપીલ વડાપ્રધાન અને ગૃહપ્રધાનને કરે.

તેમણે પક્ષના સાંસદોને જણાવ્યું હતું કે આ મુદ્દે તેઓ મોદી અને શાહને ટ્‌વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરે. આ પ્રકારની જલદ હિલચાલ માટે ઉદ્દીપક તરીકે ક્યા પરિબળોએ ભૂમિકા ભજવી છે ? અહેવાલો અનુસાર મોદી સરકાર ઓબીસી માટે ક્રિમી લેયરની વ્યાખ્યામાં બદલાવ કરવા વિચારણા કરી રહી છે. ક્રિમી લેયરનો કન્સેપ્ટ ઓબીસી માટે અનામતને લાગુ પડે છે. ઓબીસીમાં એવી જ્ઞાતિઓ આવે છે કે જે જ્ઞાતિના ભેદભાવના પરિણામે સામાજિક અસમર્થતાના સંદર્ભમાં સવર્ણો અને દલિતોની વચ્ચે આવે છે.     મોદી સરકાર હવે એક નિષ્ણાંત સમિતિની ભલામણ અનુસાર ક્રિમી લેયરના નિર્ધારણમાં સેલેરીનો સમાવેશ કરવા માગે છે પરંતુ સાથે-સાથે આવકની ટોચમર્યાદા વાર્ષિક રૂા.૮ લાખથી બમણી કરીને રૂા.૧૬ લાખ કરવા માગે છે. એક અખબારના અહેવાલ અનુસાર કેન્દ્રિય સામાજિક ન્યાયમંત્રાલયે ક્રિમી લેયરની ગણતરીમા સેલેરીની આવકનો સમાવેશ કરવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે પરંતુ આ પ્રસ્તાવ હજુ કેબિનેટે મંજૂર કર્યો નથી. જો કે મોદી સરકાર ક્રિમી લેયરમાં સેલેરીનો સમાવેશ કરવામાં આગળ વધે તે પહેલાં જ ઓબીસી નેતાઓ તરફથી તેનો વિરોધ શરૂ થઇ ગયો છે અને આ વિરોધમાં સાંસદ ગણેશસિંહે પહેલ કરી છે. પ્રથમ વખત મોદી-શાહના પ્રશાસન સામે નીતિ વિષયક બાબતમાં પોતાના જ પક્ષના સાંસદોનો વિરોધ થઇ રહ્યો છે.ે