(એજન્સી) નવી દિલ્હી, તા.૪
હવેથી રેલવેના એસી કોચમાં મોઢું લૂછવા માટે ટુવાલની જગ્યાએ સસ્તા, નાના, નેપકીન આપવામાં આવશે. રેલવે બોર્ડે આ નેપકીનનો ઓર્ડર આપી દીધો છે જે ટૂંક સમયમાં એસી કોચમાં આપવામાં આવશે.
મોડી પડતી ટ્રેનો અને સ્ટાફ દ્વારા મળતી સર્વિસની ફરિયાદો વચ્ચે રેલવે હવે મુસાફરોના અનુભવને સારો બનાવવા પર ધ્યાન આપશે. મહિના પહેલા બધા ઝોનમાં એસી કોચમાં નાયલોનના બ્લેનકેટ આપવામાં આવ્યા હતા. હાલમાં રેલવે બોર્ડ કોટનના મોઢું લૂછવાના ટુવાલ આપે છે.
ટુવાલનો બધો ખર્ચ મુસાફરો દ્વારા લેવામાં આવે છે. જેમાં લાવવાનો અને ધોવાનો ખર્ચ પણ સામેલ છે. જેનો ખર્ચ રૂપિયા ૩.૫૩ પર નંગ થાય છે. જનરલ મેનેજરે ૨૬ જૂનના રોજ લખેલા પત્રમાં બધા ઝોનના રેલવે ને જણાવ્યું કે, નવા નેપકીનનો ખર્ચ હાલના ખર્ચથી ઓછો છે. અને તેની સાઈઝ પણ એના કરતાં ઓછી છે. હાલમાં ટુવાલની સાઈઝ ૫૨ સેમી ૪૦ સેમી છે જ્યારે નવા નેપકીનની સાઈઝ ૪૦ સેમી ૩૦ સેમી છે. બેડરોલનો ખર્ચ એસી કોચની ટિકિટમાંથી લેવામાં આવશે. નવો નેપકીન એ ઇકો-ફ્રેન્ડલી છે અને વધારે પાણીને શોષી શકે છે. જો જરૂર પડી તો લાંબી યાત્રા દરમિયાન એક બેડરોલ સાથે બે નેપકીન આપવામાં આવશે.