(એજન્સી) થિરૂવનંતપુરમ, તા.૮
દેશમાં પ્રતિમાઓ તોડવાનું રાજકારણ થોભવાનું નામ લેતું નથી ત્યારે ગુરૂવારે તો કહેવાતા રાષ્ટ્રવાદીઓએ હદ કરી નાખી અને કેરળના કન્નૂરમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. કેરળના કન્નૂરના થલીપારંબા વિસ્તારમાં અજાણ્યા લોકોએ ગાંધીજીની પ્રતિમા પરના ચશ્માને તોડી નાખ્યા હતા. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહાનાયકોની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાની નિંદા કરી ચૂક્યા છે તેમ છતાં આ કૃત્યોનો અંત આવી રહ્યો નથી. પ્રતિમાઓ તોડવા અંગે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ચેતવણી આપી હોવા છતાં આ પ્રક્રીયા થોભવાનું નામ લેતી નથી.
પ્રતિમાઓ તોડવા અંગે વડાપ્રધાન મોદીએ ગૃહ મંત્રાલય સાથે વાત કરી હતી અને રાજ્યોને મૂર્તિઓ તોડનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. નોંધનીય છે કે, ત્રિપુરામાં છેલ્લા ૨૫ વર્ષથી ડાબેરીઓની સરકાર હતી અને તાજેતરમાં જ ત્રિપુરામાં ભાજપની જીત સાથે જ અહીં લેનિનની પ્રતિમાઓ તોડવાની શરૂાત થઇ છે. દેશના ઘણા ભાગોમાં અહીંથી જ હિંસા, મારપીટ, આગચંપી અને તોડ-ફોડ શરૂ થઇ છે. ગાંધીજી પહેલા રશિયન કોમ્યુનિસ્ટ નેતા વ્લાદિમીર લેનિન, સમાજ સુધારક પેરિયાર ઇવી રામાસ્વામી, હિંદુ વિચારક શ્યામાપ્રસાદ મુખરજી અને દેશના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડરની પ્રતિમાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. બીજી તરફ કોયમ્બતૂરમાં ભાજપના કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના પણ બની છે. સૌથી પહેલા ત્રિપુરામાં લેનિનની પ્રતિમા પર બુલ્ડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. બાદમાં તમિલનાડુમાં હથોડાથી પેરિયારની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું. દક્ષિણ કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા પર શાહી ફેંકવામાં આવી, ત્યારબાદ મેરઠમાં આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટના બની હતી. અહીં દલિતોએ તરત વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા હતા.
તમિલનાડુમાં આંબેડકરની પ્રતિમા પર હુમલો
દેશમાં પ્રતિમાઓ તોડવાનું રાજકારણ થોભવાનું નામ લેતું નથી ત્યારે કેરળમાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કર્યા બાદ ગુરૂવારે તમિલનાડુમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા લોકોએ આંબેડકરની પ્રતિમા પર પેઇન્ટ લગાવી તેને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે મેરઠના મવાનામાં અજાણ્યા લોકોએ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. અસામાજિક લોકો દ્વારા આંબેડકરની પ્રતિમાને તોડવાની ઘટના બાદ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી હતી જ્યારે બીજીતરફ અહીં દલિતોએ વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા હતા પરંતુ તંત્રની સમજાવટને પગલે તેમણે વિરોધ પરત ખેંચી લીધો હતો.
હવે તો હદ થઇ ગઇ, કેરળમાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કરાઇ

Recent Comments