(એજન્સી) તા.૧૮
અંતરીક્ષમાંથી જ્યારે આપણે પૃથ્વી અંગે વિચારીએ છીએ ત્યારે પૃથ્વીની એક લાક્ષણિક તસવીર આપણા મનમાં નિર્ધારીત હોય છે જેમાં બ્લુ સમુદ્રો, હરિયાળા જંગલો અને હિમાચ્છાદિત શિખરો વગેરે. પરંતુ ૨૦૩૫નો ઉનાળો આવશે ત્યારે આ મનમાં નિર્ધારીત છબી જેવું સચોટ દૃશ્ય જોવા મળશે નહીં. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે માત્ર ૧૫ વર્ષમાં જ પ્રથમ વાર આર્કટિકની ગ્રીષ્મ ઋતુમાં સમુદ્રનો બરફ અદ્રશ્યમાન થઇ જશે. બ્રિટીશ એન્ટાર્કટીક સર્વે ખાતે અર્થ સિસ્ટમ મોડેલર અને આ મહિનાના આરંભે જરનલ નેચર ક્લાઇમેટ ચેન્જમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસના અગ્રણી લેખક મારિયા-વિટોરિયા ગુવારીનોએ જણાવ્યું છે કે આ બધું હવે ઝડપથી બનશે. આપણી પાસે એ વખતે જો આપણે કંઇ કરવા માગતાં હોઇશું તો પણ આપણી પાસે એના માટે સુસજ્જ થવા ઓછામાં ઓછો સમય હશે અથવા કોઇ કાર્યવાહી કરવા માટે પણ સૌથી ઓછો સમય હશે. આ નવા સંશોધનમાં બરફમુક્ત એટલે કે આઇસ ફ્રી આર્કટિક માઇલસ્ટોનની સમયમર્યાદા અંગે આગાહી કરવામાં આવી છે. આર્કટિક મહાસાગર પર તરતા સમુદ્રના બરફનું પ્રમાણ ૧૯૭૯થી દર દાયકામાં ૧૩ ટકા જેટલું ઘટતું જાય છે. ગુવારીનો અને તેમના સાથીઓ દ્વારા ૨૦૩૫ અંગે જે અનુમાન કરવામાં આવ્યું છે તે ભૂતકાળની આબોહવામાં જે કંઇ થયું હતું તેના પર આધારીત છે. વૈજ્ઞાનિકોએ બરફ, ખડકો અને ભૂસ્તર કચરામાં મળી આવેલા રાસાયણિક અંશોના અગાઉના યુગ અંગે પુરાવા એકત્ર કર્યા છે. નવા આર્કટિક અભ્યાસમાં લાસ્ટ ઇન્ટર ગ્લેશિયલ તરીકે ઓળખાતાં ૧૩૦૦૦૦ વર્ષ અગાઉના સમયગાળાનો અભ્યાસ કરાયો છે. આ સમયગાળામાં ઔદ્યોગિક પૂર્વેના યુગ કરતાં વાતાવરણ ૪ ડિગ્રી. સેલ્શિયસ વધુ ગરમ હતું. આમ આ બધા અનુભવ અને પુરાવાના આધારે વૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે કે હવે માત્ર ૧૫ વર્ષમાં જ બરફ વગરનો પ્રથમ આર્કટિક ઉનાળો જોવા મળશે.