(એજન્સી) મુંબઈ, તા.૨૭
વર્લ્ડ કપ ૨૦૧૯ બાદથી ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ મેદાનથી દૂર છે. આ કારણે તેના સન્યાસની અટકળોનો માહોલ હાલ પણ યથાવત છે. જો કે, ધોની સન્યાસ ક્યારે લેશે તે અંગે તો હવે માત્ર ધોની જ જણાવી શકે છે. પરંતુ આ પહેલા ધોનીને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ધોનીના સંન્યાસ પહેલા જ રિટયરમેન્ટ પ્લાન પર કામ શરૂ થઈ ગયું છે.
એવી માહિતી છે કે, ધોની હવે કોચિંગમાં હાથ અજમાવશે. એક ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ ધોની ૨ જુલાઈથી ક્રિકેટ કોચિંગ શરૂ કરવા જઈ રહ્યો છે અને તે એક સ્થળેથી દુનિયાભરના યુવા ક્રિકેટર્સને ઓનલાઇન કોચિંગ આપશે. એમએસ ધોની ક્રિકેટ એકેડમી ઓનલાઇન કોચિંગ શરૂ કરવા જઈ રહી છે. જેમાં ૬થી ૮ વર્ષના ક્રિકેટની શરૂઆત કરતા બાળકોથી લઈને સીનિયર લેવલના ખેલાડીઓ માટે પ્રોગ્રામ નક્કી કરવામાં આવશે. રિપોર્ટ મુજબ ધોનીની આ એકેડમી આર્કા સ્પોટ્‌ર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને કામ કરશે.
૨ જુલાઈ એટલે કે, ગુરૂવારથી આની શરૂઆત થશે. ધોની આ સંપૂર્ણ યોજનાનો હેડ છે અને કોચોની પેનલ લર્નિંગના પ્રકરણનું વિતરણ કરશે. રિપોર્ટ પ્રમાણે સાઉથ અફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડેરિક કલિનનને આ પ્રોજેક્ટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જેમણે ૭૦ ટેસ્ટ અને ૧૩૮ વન ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે. આ પહેલા ધોનીએ વર્ષ ૨૦૧૭માં દુબઈમાં ક્રિકેટ એકેડમી ખોલી હતી. ધોની હાલ પોતે પણ એક્ટિવ ક્રિકેટમાં વ્યસ્ત છે. તેથી તે હાલ આ એકેડમીમાં વધુ સમય આપી નથી શકી રહ્યો.