(એજન્સી) તા.૧૩
ઓલ ઈન્ડિયા મુસ્લિમ વુમન પર્સનલ લો બોર્ડ જે તરત જ ત્રણ તલાકની નિંદા કરતો હતો અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પછી તેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી, તે હવે ટ્રિપલ તલાક બિલમાં ફેરફાર ઈચ્છે છે. જે રાજ્યસભાની મંજૂરી માટે સ્થગિત છે. એ.આઈ.એમ.ડબલ્યુ.પી.એલ.બીના પ્રમુખ સાહિસ્તા અંબરે કહ્યું કે, જો કે આ બિલ યોગ્ય દિશામાં પગલું છે પરંતુ તેને ઉતાવળથી તૈયાર કરવામાં આવ્યું છે મેં આ બિલમાં સુધારા પ્રત્યે ધ્યાન દોરવા માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યું છે. તેમણે કહ્યું કે, આ બિલ પતિ અને પત્ની વચ્ચે સમાધાન કરાવે તે પ્રમાણે હોવું જોઈએ અને આ ઉપરાંત તેના દુરૂપયોગને રોકવા માટે તેમાં અન્ય કલમો હોવી જોઈએ.
એઆઈએમપીએલબીના આદેશ મુજબ વિવિધ મુસ્લિમ મહિલા સંગઠનો દ્વારા ૧૮ માર્ચ લખનૌમાં રેલી નીકાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ત્રિપલ તલાક બિલનો વિરોધ કરવામાં આવશે. ધ મુસ્લિમ વુમન (પ્રોટેકશન ઓફ ઓન મેરેજ) બિલ ર૦૧૭ પ્રમાણે ત્રણ તલાક અથવા તલાક-એ-બિદ્દત એ ફોજદારી ગુનો છે અને તે માટે ત્રણ વર્ષની જેલ થશે.