બેંગ્લુરૂ, તા. ૮
વડાપ્રધાન મોદી દ્વારા એક વર્ષ પહેલા કરાયેલી નોટબંધીના વિરોધને દર્શાવવા માટે બુધવારે કર્ણાટકના બેંગ્લુરૂમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. કર્ણાટકના એઆઇસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં યોજોયેલી બેઠક બાદ આ રેલીમાં મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પણ જોડાયા હતા. આ ઉપરાંત કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જી પરમેશ્વરા, ગૃહમંત્રી રામલિંગા રેડ્ડી, કેપીસીસી કાર્યકારિણી અધ્યક્ષ દિનેશ ગુંડુરાવ સહિતના નેતાઓ શહેરમાં આવેલા ફ્રીડમ પાર્ક સુધીની રેલીમાં જોેડાયા હતા. ગુંડુ રાવે આ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, લગભગ ૯૯ ટકા ચલણ પરત ફરી ગયું છે ત્યારે પણ કોઇ બતાવી શકતું નથી કે, કાળુ નાણું કેટલું અને સફેદ કેટલું. પરંતુ આજે મોદી જાહેરાતો દ્વારા જુઠ્ઠા અને ખોટા નિવેદનો આપી રહ્યા છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, જો નોટબંધી નિષ્ફળ જશે તો તેમને ફાંસીએ લટકાવી દેજો, તો આપણે તેમને હવે ફાંસીએ લટકાવી દેવા જોઇએ તેવો તેમણે સવાલ કર્યો હતો. નોટબંધી કાળા નાણા અને આતંકવાદની સામે સર્જિકલ સ્ટ્રાઇક ગણાવાઇ હતી, તો શું મોદી હવે સંસદમાં આ અંગે ચર્ચા કરવા તૈયાર છે ? તેવો સવાલ વેણુગોપાલે કર્યો હતો. તેઓ જાણે છે કે, લોકોએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેથી તેઓ ચર્ચાથી દૂર ભાગે છે. કોંગ્રેસ પાર્ટીએ આઠમી નવેમ્બરને કાળા દિવસ તરીકે જાહેર કરી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો યોજ્યા છે.