(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સૂચના અને પ્રસારણ મંત્રાલયે બુધવારે એક સમિતિ બનાવી હતી. જે ઓનલાઈન મીડિયા અને ફેક ન્યૂઝ પોર્ટલ્સને નિયમિત કરવા માટે કાનૂન બનાવશે. આ કમિટીમાં ૧૦ સભ્યો હશે. જેનું નેતૃત્વ પ્રસારણ મંત્રાલયના સચિવ કરશે. આ ઉપરાંત સમિતિમાં આઈટી મંત્રાલય, ગૃહમંત્રાલયના સચિવો માય ગર્વમેન્ટના સીઈઓ સામેલ હશે. મંત્રાલય દ્વારા અપાયેલા આદેશ અનુસાર કમિટીને ઓનલાઈન મીડિયા, ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઈન સામગ્રી પ્લેટફોર્મ માટે યોગ્ય નીતિ તૈયાર કરવાની સલાહ આપશે. જેમાં ડિજિટલ પ્રસારણને પણ સામેલ કરાયું છે. મનોરંજન, ઈન્ફોરમેન્ટ, ન્યૂઝ અને મીડિયા એગ્રીગેટર સામેલ છે. આ ઉપરાંત કમિટીને સમાન નિયમો માટે આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્યનું પણ વિશ્લેષણ કરવાનું રહેશે. આદેશ મુજબ ઓનલાઈન સૂચના પ્રસારણ ક્ષેત્રને વર્ણિત કરવાનું રહેશે. જેને પ્રિન્ટ અને ટેલિવિઝન મીડિયાના સમાન નિયમો લાવવા જોઈએ. આ ઉપરાંત કેબલ ટેલિવિઝન નેટવર્ક એકટ ૧૯૯પના પ્રોગ્રામ અને એડવટાઈઝીંગ કોડસ મુજબ ખાનગી ચેનલોના કન્ટેન્ટને નિયંત્રિત કરાશે. જ્યારે પ્રિન્ટ મીડિયા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા છે. જેના પોતાના માપદંડો છે. ૪ એપ્રિલ-૧૮ના રોજ પ્રસારણ મંત્રાલયે આવો આદેશ બહાર પાડ્યો છે. સરકારનું માનવું છે કે, ઓનલાઈન મીડિયા, ન્યૂઝ પોર્ટલ અને ડિજિટલ બ્રોડ કાસ્ટીંગ માટે કોઈ દિશા નિર્દેશ કે માપદંડ નથી. આ માધ્યમો માટે નિયમોની ભલામણ કરતાં પહેલાં કમિટીને એફડીઆઈ માપદંડ, કેબલ ટેલિવિઝન નેટવર્ક એકટ અને પ્રેસ કાઉન્સિલ દ્વારા બહાર પડાવેલ માપદંડ ધ્યાનમાં લેવાના રહેશે. આ પહેલાં માહિતી મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંત્રાલય દ્વારા ફેક ન્યૂઝ બનાવનારા પત્રકારો માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં ફેક ન્યૂઝ બતાવનારની માન્યતા રદ કરાશે. મંત્રાલયના આ પ્રસ્તાવને પ્રધાનમંત્રી કાર્યાલયે સ્વીકાર કર્યો ન હતો. મીડિયા સંગઠનો અને વિપક્ષોએ આ નિયમોની ટીકા કરી કહ્યું હતું કે તે સ્વતંત્ર પ્રેસના અવાજને દબાવવા માટે છે.
ફેક ન્યુઝ અંગે પ્રધાનમંત્રીની મંજૂરી વગર પરિપત્ર બહાર પાડી શકાય નહીં : યશવંત સિંહા

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ કહ્યું છે કે ફેક ન્યૂઝ અંગે વડાપ્રધાનની મંજૂરી વગર કોઈ પરિપત્ર બહાર પાડી શકાય નહીં. તેમણે કહ્યું કે અરૂણ શૌરીએ ટીવી મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સૂચના મંત્રાલયના પરિપત્રથી અજાણ હતા ત્યારે તેમને આશ્ચર્ય થયું અને પરિપત્ર પાછો ખેંચવા કહ્યું. આવો પરિપત્ર વડાપ્રધાનની મંજૂરી વગર બહાર પાડી શકાતો નથી.
યશવંત સિંહાએ કહ્યું કે આજે દેશમાં કંઈક ખતરનાક ચીજો થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના બે જજોને મુખ્ય ન્યાયમૂર્તિ સાથે મતભેદ અંગે જાહેરમાં કહેવું પડ્યું જે એક અભૂતપૂર્વ ઘટના છે. દેશના લોકતંત્રને સંરક્ષિત કરવા ઈચ્છો છો તો તેને ઠીક કરવું પડશે.
તેમણે કહ્યું કે ડેટાલીકની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. તે માટે ઝડપથી કાનૂન બનાવવો જોઈએ. ડેટા સુરક્ષા માટે કાનૂન છે ત્યારે ડેટા કોણે લીક કરી બહુરાષ્ટ્રીય કંપનીઓને ભેગો કરવા અનુમતિ આપી. લાખો લોકોના ડેટા એકત્ર કરાયા. કોઈને ખબર નથી કે તેનો ઉપયોગ થશે. જે ભયાવહ છે. જેને નિયંત્રિત નહીં કરાય તો તેનો દુરઉપયોગ થવાની સંભાવના છે.
ગોરખપુર અને ફૂલપુરની હાર અંગે સિંહાએ કહ્યું કે દેશમાં લોકતંત્ર છે. લોકતંત્રના રક્ષણ માટે પોતાને જોડવા જોઈએ. લોકતંત્ર લોકોને અધિકાર આપે છે. એસસી-એસટી કાનૂન સંવેદનશીલ મુદ્દો છે. તે બીજા સંવેદનશીલ મુદ્દા મુજબ કઠિન છે. આ મુદ્દે બધા તથ્ય સ્પષ્ટ નથી. કોઈપણ પ્રકારે તે કમજોર વર્ગોના દિમાગમાં ડર પેદા કરે છે. જે કાનૂન સાથે હસ્તક્ષેપ કરે છે.