બાવળા, તા.૩૦
ગુજરાતના સમગ્ર ગિરાસદાર રાજપુત સમાજની સંસ્થાઓ દ્વારા ઓ.બી.સી.પંચ ગાધીનગર ખાતે આવેદનપત્ર આપી આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત સમાજને અનામત આપવા ઓ.બી.સી. પંચના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપ્યા બાદ હવે રાજપુત સમાજ પણ અનામત મુદ્દે મેદાનમાં આવ્યો છે, મહત્ત્વનું છે કે ગુજરાતમાં રાજપુત સમાજ દબદબો ધરાવે છે રૂપાણી સરકારમાં ગૃહપ્રધાનથી લઈને શિક્ષણપ્રધાન સુધી આ સમાજના હોદ્દેદારો છે, રાજપુત ગિરાસદાર સમાજે પ્રથમ વાર ઓ.બી.સી પંચના દ્વાર ખટખટાવી અનામતની માંગ કરેલ છે જેમાં અખિલ ગુજરાત રાજપુત યુવાસંઘ, કચ્છ કાઠિયાવાડ રાજપુત સમાજ ગાંધીનગર તથા અન્ય તમામ ગુજરાતના રાજપૂત સંગઠનો સાથે ધોળકા બાવળા ગિરાસદાર રાજપુત સમાજના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર ખાતે કાર્યરત અન્ય પછાત વર્ગો માટેના ઓબીસી પંચ સમક્ષ ગુજરાતના સમગ્ર રાજપુત ગરાસિયા સમાજના વિવિધ સંગઠનો દ્વારા પંચના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત રાજપુત ગરાસદાર જ્ઞાતિના સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવેશ કરીને ૫૦ ટકા સિવાયનો અલગથી ઓબીસી અનામત કોટા ફાળવવા રજૂઆત કરી હતી.