(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા. ૮
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ એપીએલ-૧ રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે ર.પ૦ થી ૩ કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોના વિશાળ હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કેબિનેટ અંગેના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-૧૯ ની લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં સૌને પૂરતું અનાજ મળી રહે તે માટે અનેક નિર્ણયો કર્યા છે. તેમણે આ અંગે કહ્યું કે, રાજ્ય મંત્રીમંડળે આજે નિર્ણય કર્યો છે કે રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો એપીએલ-૧ ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા એનએફએસએ અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ૬૦ લાખથી વધુ એપીએલ-૧ કાર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે રાજ્યના ૬૦ લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના ર.પ૦ થી ૩ કરોડ લોકોને મોટી રાહત થશે અને વર્તમાન લોકડાઉનની સ્થિતીમાં સરળતાથી અનાજ વિનામૂલ્યે મળશે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીને કારણે કામકાજ વ્યવસાયો બંધ થઇ જવાથી ગરીબ, કામદાર વર્ગો, શ્રમજીવીઓ અને મધ્યમવર્ગના પરિવારોને અનાજ મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે તેમજ આ પરિસ્થિતીમાં પણ પૂરતું અનાજ મળી રહે તેવી સંવેદનાથી રાજ્યમાં એનએફએસએ અંતર્ગત આવરી લેવાયેલા અંત્યોદય અને એચએચ એવા ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. ગુજરાતે દેશભરમાં પહેલ કરીને એપ્રિલ માસના પ્રથમ ચાર દિવસમાં જ આવું અનાજ કોઇ પણ જાતની અવ્યવસ્થાઓ સર્જાયા વગર સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરવાની સફળતા મેળવી છે. મુખ્યમંત્રીએ ત્યારબાદ ૩.૪૦ લાખ થી વધુ એવા ગરીબ પરિવારો-કાર્ડધારકો જેઓને અત્યાર સુધી દર મહિને માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે અને વિતરણ થઇ રહ્યું છે.

APL-1ન વિનામૂલ્યે અનાજ આપવાના નિર્ણયને ગ્યાસુદ્દીન શેખે આવકાર્યો

કોરોનાના કારણે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન થતાં મધ્યમ વર્ગ ઉપર મોટો ભાર આવી પડ્યો છે. આ પરિસ્થિતિમાં એપીએલ કાર્ડધારકોને પણ અનાજ આપવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી વિનંતી કરતા આજરોજ મુખ્યમંત્રીએ ગરીબ-મધ્યમ વર્ગના (એપીએલ-૧) કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવાનો નિર્ણય કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ મધ્યમ વર્ગ વતી તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તા.૪/૪/ર૦ર૦ને શનિવારના રોજ ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ધારાસભ્યો, સંસદસભ્યો સાથેની મીટિંગમાં મંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા અને કૌશિક પટેલ, મ્યુનિ. કમિશનર વિજય નહેરા, શહેરના કલેક્ટર નિરાલા સાથે મીટિંગમાં બીપીએલ, અંત્યોદય તેમજ એપીએલ કાર્ડધારકોની સાથે એપીએલ-૧ રાશન કાર્ડધારકોને પણ સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ આપવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ પક્ષ વતી માગણી કરી હતી.