(એજન્સી) તા.૬
કેરલનાં મલ્લપુરમમાં એક ગર્ભવતી માદા હાથીએ વિસ્ફોટક ખાવાંથી મોત થયાં બાદ હિમાચલ પ્રદેશમાંથી પણ સૌને હેરાન કરી નાખનારી ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશનાં જિલ્લા બિલાસપુરનાં ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઇએ વિસ્ફોટકનો ગોળો બનાવીને ખવડાવી દીધો છે, જેનાંથી તે ગાયની હાલમાં ખરાબ હાલત થઇ ગઇ છે.
ગાયનાં માલિકે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે ખૂબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. પોલીસે આ ઘટનામાં કેસ પણ દાખલ કર્યો છે. આ પૂરી ઘટનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે. લોકોમાં આ ઘટના બાદ ખૂબ જ વધારે આક્રોશ જોવાં મળી રહ્યો છે. માલિકે તેના પાડોશી પર આ કૃત્ય કર્યુ હોવાનો આરોપ મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં થોડાં દિવસો પહેલાં કેરલનાં મલપ્પુરમમાં એક ગર્ભવતી માદા હાથીને કેટલાંક અસામાજીક તત્વોએ અનાનસમાં ફટાકડા ભરીને ખવડાવ્યું હતું જેનાંથી તેનું મો સંપૂર્ણ રીતે જખ્મી થઇ ગયું હતું. ગંભીર રૂપથી તે જખ્મી થયા બાદ તે માદા હાથી વેલિયાર નદીએ પહોંચી હતી કે, જ્યાં ૩ દિવસ સુધી પાણીમાં મો નાખીને તે ઉભી રહી. બાદમાં તેનાં ગર્ભમાં રહેલ એક નાના બચ્ચાં (મદનિયું)નું પણ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ દેશનાં અનેક લોકોએ જેમાં ફિલ્મી કલાકારો સહિત લોકોએ આ ઘટનાને લઇ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેરલ સરકાર હાલમાં આ સંપૂર્ણ મામલાની તપાસ કરી રહી છે. આ મામલા પર ખુદ પર્યાવરણ મંત્રાલયે પણ જાણકારી મેળવી હતી. ગર્ભવતી માદા હાથીની હત્યા મામલે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. વનમંત્રીનાં રાજુએ કહ્યું કે, આ હત્યામાં અનેક લોકો શામેલ હતાં અને તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. પોલીસ અને વન વિભાગ આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહ્યું છે.