(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
રાજસ્થાનના ૧૯ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ અંગે પગલાંને સ્થગિત કરવાના હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધવિધાનસભાના સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સ્પીકરે તેમણે ગેરલાયક ઠેરવવાની નોટિસને પડકારનારા પાયલટ અને અન્ય ૧૮ બળવાખોર ધારાસભ્યોની અરજી અંગેના હાઇકોર્ટના કોઇપણ ચુકાદાને રોકવા સુપ્રીમ કોર્ટને અરજ કરી છે. તેમણે આ ઉપરાંત શુક્રવાર સુધી આ ધારાસભ્યો સામે કોઇ પગલાં નહીં લેવાના હાઇકોર્ટના આગ્રહને પણ રદ કરવાની સુપ્રીમમાં માગ કરી છે. તેમણે ઉમેર્યું કે, બંધારણીય કટોકટીને ખાળવા માટે તેઓ સુપ્રીમમાં ગયા છે સાથે જ કહ્યું કે તેમની સત્તા અંગે ન્યાયપાલિકા સાથે ઘર્ષણ થઇ રહ્યું છે. આ દરમિયાન પાયલટ જૂથે પણ સ્પીકરની વિનંતી અંગે કોર્ટ કોઇપણ નિર્ણય લે તે પહેલા તેમની વાત પણ સાંભળવામાં આવે તેવી માગણી કરી છે.
મીડિયાન સંબોધતા વિધાનસભા સ્પીકર સી.પી. જોશીએ કહ્યું કે, કોઈ ધારાસભ્યને નોટિસ આપવા અથવા તેને અયોગ્ય જાહેર કરવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષને હોય છે. જ્યાં સુધી હું કોઈ નિર્ણય નથી લેતો, અદાલત આ મામલે દખલ ના કરી શકે. આવામાં હાઈકોર્ટનાં નિર્ણયને લઇને તેઓએ સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી છે. સી.પી. જોશીએ કહ્યું કે અત્યારે ફક્ત ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે, કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. તેમણે કહ્યું કે, કોઈ ધારાસભ્યને નોટિસ આપવી સ્પીકરનું કામ છે. અમે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યા છીએ. અત્યારે તો ફક્ત નોટિસ મોકલી છે, કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. સ્પીકરે કહ્યું કે, જો અમે કોઈ નિર્ણય કરીએ છીએ તો કોર્ટ રિવ્યૂ કરી શકે છે. અમારી અપીલ છે કે વિધાનસભાનાં અધ્યક્ષનાં કામમાં હસ્તક્ષેપ ના થવો જોઇએ. સી.પી. જોશીએ કહ્યું કે તેઓ હાઈકોર્ટનાં આદેશને સુપ્રીમ કૉર્ટમાં એસએલપી આપશે, કેમકે અદાલત સ્પીકરનાં કામમાં હસ્તક્ષેપ ના કરી શકે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચે કહ્યું છે કે જ્યાં સુધી સ્પીકર કોઈ નિર્ણય ના લે, કોર્ટ કોઈ ડાયરેક્શન નહીં આપે. ૧૯૯૨માં સંવૈધાનિક બેંચે એ નક્કી કરી દીધું છે કે પક્ષપલટા કાયદા પર સ્પીકર જ નિર્ણય લેશે. આવામાં સ્પીકરનાં નિર્ણય લીધા બાદ રિવ્યૂનો અધિકાર હાઈકોર્ટની પાસે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન હાઇકોર્ટે ૨૪ જુલાઇ સુધી પાયલટ જૂથના ધારાસભ્યો સામે કોઇ પગલાં નહીં લેવા સ્પીકરને મંગળવારે આદેશ કર્યો હતો.