(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩
જુડીશિયલ ઓફિસરમાંથી હાઇકોર્ટ જજ તરીકે પદોન્નતિ પામેલ ચાર ન્યાયમૂર્તિઓએ આજે હાઇકોર્ટમાં શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતના કાયદા વિભાગ હેઠળ જુડીશિયલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇલેશ જશવંતરાય વોરા, ગીતા ગોપી, અશોકકુમાર ચિમનલાલ જોષી તથા રાજેન્દ્ર એમ. સરીનને આજે કોર્ટ કાર્યવાહીની શરૂઆત પહેલા ચીફ જસ્ટીસ વિક્રમનાથે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વર્તમાન તથા રિટાયર્ડ ન્યાયમૂર્તિઓ, હાઇકોર્ટના ઓફિસર તથા સિનિયર એડવોકેટસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં પડતર કેસોની સંખ્યા ૧.૨૯ લાખ છે, અને આ વડી અદાલતમાં મંજૂર ૫૨ જજના મહેકમ સામે માત્ર ૨૭ જજોના સંખ્યાબળથી કામ ચલાવે છે. તેમાં પણ આવનારા ૫ મહિનામાં ૪ જજ રિટાયર થવાનાં છે. જજોનું ઓછું સંખ્યાબળ અને અદાલતમાં વહીવટી સુધારાના અભાવથી જસ્ટીસ ડિલીવરી સિસ્ટમ રૂંધાઈ ગઈ છે તથા લોકોને ન્યાય મળવામાં વિલંબ થાય છે. દરેક હાઈકોર્ટમાં વધતા-ઓછા અંશે આવી હાલત પ્રવર્તે છે. પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં માત્ર ૪ જજોની નિમણૂક કરવામાં આવી છે. મંજૂર મહેકમ સામે જજોની ઘણી ઓછી સંખ્યાને કારણે કેસ પેન્ડન્સી વધી રહી છે ત્યારે મંજૂર મહેકમ અનુસાર જજોની ભરતી ક્યારે પૂર્ણ કરાશે તે ચર્ચા હાલ વકીલ આલમમાં ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.