(સંવાદ દાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૩
રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠને ૨૦૦૭થી અત્યાર સુધીમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા આપવામાં આવેલા પગારની રિકવરી માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. કેમ કે તેઓ વર્ષ ૨૦૦૭માં વીઆરએસ લઇને નિવૃત્ત થઇ ગયા હતા અને તમામ પેન્શન વગેરે મેળવી ચૂક્યા છે. તેઓ નિવૃત્ત થયા ત્યારે સ્પષ્ટ શરત હતી કે તેઓ કોઇ પણ સરકારી ઓથોરિટી અથવા વિભાગમાં નોકરી નહીં કરે. તેમ છતાંય તેનો ભંગ કરીને તેમને વાઇસ ચાન્સેલર બનાવાવમાં આવ્યા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જી.પી.એસ.સી. અને હવે જી.ટી.યુ.માં નોકરી કરી પગાર લીધો છે અને નિવૃત્તિનું પેન્શન પણ લીધું છે.
અરજદારની રજૂઆત છે કે નવીન શેઠ ૨૦૦૭ સુધી સરકારી અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. ૨૦૦૭માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્ત સ્વીકારી અને ત્યારબાદ તેમને પેન્શન મળતું હતું. નિવૃત્તિ સમયે શરત હતી કે હવે તેઓ કોઇ સરકારી વિભાગ કે સરકારમાંથી ગ્રાન્ટ મેળવતી સંસ્થામાં નોકરી નહીં કરે. આમ છતાં વર્ષ ૨૦૦૭માં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં પ્રોફેસર તરીકે નોકરી સ્વીકારી અને આ નોકરીનો પગાર લીધો હતો. ત્યારબાદ તેઓ જી.પી.એસ.સી.(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)માં પણ અધિકારી તરીકે ફરજ બજાવતા ત્યાં પણ પગાર લેતા હતા. હવે તેઓ જી.ટી.યુ.માં કુલપતિ તરીકે કાર્યરત છે. ૨૦૦૭થી અત્યાર સુધી તેમણે સરકારી વિભાગોમાંથી પગાર લીધો છે અને સરકાર પાસેથી પેન્શન પણ મેળવ્યું છે. આ બાબત ગેરકાયદે હોવાથી તેમને અપાયેલા પગારની રિકવરી થવી જોઇએ.