(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૩
વિવાદિત નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીઓ ગુમ થવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. બંને સાધિકાઓની રેગ્યુલર જામીન અરજી નીચલી કોર્ટે ફગાવતા બંને સાધિકાઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં યુવતીઓના પિતા જનાર્દન શર્માએ પક્ષકાર તરીકે જોડાઈ જામીન અરજીનો વિરોધ કર્યો છે. અરજીનો વિરોધ કરતાં સોગંધનામામાં રજૂઆત કરાઈ છે કે, પુષ્પક સિટીમાં યુવતીઓને લઈ જવાતી હતી. જે પ્રણપ્રિયા જાણતી હતી. પુષ્પક સિટીમાંથી પોલીસ તપાસના યુવતીના કપડાં પણ મળ્યા હતા. આશ્રમમાં ચાલતા તમામ કામોમાં બંને સાધ્વીઓની મહત્ત્વની અને સક્રિય ભૂમિકા છે. બંને સાધ્વીઓને જામીન ન આપવા જનાર્દનના વકીલની અપીલ. નંદિતા અને લોપામુદ્રા ક્યાં છે તે બંને સાધિકાઓ જાણતી હોવાનો વકીલનો કોર્ટમાં દાવો. અત્રે ઉલ્લેખનીય છે કે, બે સાધ્વીઓ પ્રણપ્રિયા અને પ્રિયતત્વને હાલ જેલમાં જ રહેવું પડશે. જામીન અરજી ફગાવવાની સાથે નીચલી કોર્ટે અવલોકન કર્યું હતું કે, ગંભીર બાબત છે. કેસમાં આરોપીઓ સહકાર આપતા નથી સાથે જ બે યુવતીઓ હજી ગુમ છે અને બે માઈનોર બાળકોએ આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપ્યા છે. જેથી જામીન ન આપી શકાય જે કોર્ટે નોંધ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીના અપહરણ કરી ગોંધી રાખવાના કેસમાં ઝડપાયેલી બે સાધ્વીઓની જામીન અરજી પર મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ ખાતે સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસ સંદર્ભે સરકાર તરફે એવી રજૂઆત થઈ હતી કે, ગંભીર ગુનો છે, હજુ યુવતીઓ મળી નથી, મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ ફરાર છે, જામીન અપાય તો સાક્ષી ફોડવાની શક્યતા છે તેથી જામીન ન આપવા જોઇએ. જો કે, સાધ્વીઓ તરફે ખોટી રીતે કેસ કરી ફસાવવામાં આવ્યા હોવાનો તેમના વકીલ તરફથી બચાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટમાં રજૂઆત કરી કે, ૭ વર્ષ સુધીના ગુનામાં આરોપીને નોટિસ આપવી પડે. જો કે, અમારા અસીલોને નોટિસ આપ્યા વગર ધરપકડ કરાઈ છે. બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આ મામલે ચુકાદો મુલત્વી રાખ્યો હતો. નોંધપાત્ર છે કે, નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓને ગેરકાયદેસર ગોંધી રાખવાની બાબતે પોલીસે બે સાધિકાની ધરપકડ કરી છે. નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાઓની ધરપકડ બાદ વધુ ૫ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. જ્યારે બંને સધિકાઓની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વચગાળાની જામીન અરજી ગત સુનાવણીએ ફગાવી દીધી હતી. જ્યારે બંનેએ કરેલી રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાઓના ૫ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ ૩ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે કોર્ટે વધાારાના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તેમની વચગાળાની જામીન અરજી ગત સુનાવણીએ ફગાવી દીધી હતી. વધુ સુનાવણી ૭ જાન્યુઆરીએ હાથ ધરાશે.