(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૫
૨.૫ કરોડના પર્સનલ બોન્ડ પર ભટ્ટનાગર બંધુઓના હાઈકોર્ટે ૪ મહિનાના વચ્ચગાળા જામીન મંજુર કર્યા હતા. આજે હાઇકોર્ટમાં અમિત ભટ્ટનાગરની વચગાળાના જામીન લંબાવવા અથવા રેગ્યુલર જામીન આપવાની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે અમિત ભટ્ટનાગરના ૯ મહિના માટે વચગાળાના જામીન લંબાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાની છેંતરપીંડી કરનાર વડોદરા સ્થિત ડીપીઆઈએલ કંપનીના પ્રમોટર ભટ્ટનાગર બંધુ-સુમિત અને અમિત ભટ્ટનાગરે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા હાઈકોર્ટમાં કરેલી રિટને જસ્ટીસ સોનિયા ગોકાણીએ આશિંક માન્ય રાખતા બંને આરોપીઓને ૨.૫ કરોડ રૂપિયાના પર્સનલ બોન્ડ પર ૪ મહિના વચ્ચગાળા જમીન મંજુર કર્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, કેસની તપાસમાં હજી વધુ તથ્યો બહાર આવી શકે છે ત્યારે રેગ્યુલર જામીન આપી શકાય નહીં. અરજદારના વકીલે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસની તપાસમાં હજી એક વર્ષ જેટલો સમય લાગી શકે જેથી આરોપીઓને કસ્ટડીમાંથી મુક્ત કરી તેમના જામીન મંજૂર કરવામાં આવે. અગાઉ હાઈકોર્ટ દ્વારા બંને આરોપીઓના ૩ મહિનાના વચ્ચગાળા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને આ સમયગાળા દરમ્યાન આરોપીઓ તરફે કોઈપણ દુર-વ્યવહાર કે શરતોનો ભંગ કર્યો નથી. આ મુદ્દે સીબીઆઈ તરફે દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં દલીલ કરી હતી કે વર્ષ ૨૦૦૭થી ૨૦૧૮ સુધીમાં આરોપીઓની કંપની દ્વારા વિવિધ ફંડ મેળવ્યા છે જેની તપાસ હાલ બાકી છે. આ કેસની તપાસ બાકી છે ત્યારે આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવે તો પુરાવવા સાથે ચેંડા કરી શકે અથવા સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીઓ અને અન્ય લોકોને શોધવા મુશકેલ થઈ જશે. ગત વર્ષ માર્ચ ૨૦૧૮માં સીબીઆઈએ ભટ્ટનાગર બંધુઓ વિરૂદ્ધ ૧૧ બેંક જોડે કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી.