(એજન્સી) નવી દિલ્હી, તા.૯

૧૫ વર્ષ જૂના માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. એમણે હાલમાં જ ચુકાદો આપી જણાવ્યું હતું કે જ્યાં સુધી કોર્ટના ન્યાયિક વિષયની બાબતો છે એના માટે હાઇકોર્ટના નિયમો આર.ટી.આઈ.ની જોગવાઈઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. સુપ્રીમ કોર્ટે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં કહ્યું છે કે, જો કોઈ નાગરિક હાઇકોર્ટમાંથી ન્યાયિક બાબતો અંગે માહિતી માંગે છે તો એમણે હાઇકોર્ટના નિયમોનું પાલન કરવું પડશે અને નહિ કે આર.ટી.આઈની જોગવાઈઓનો અમલ કરવાનો રહેશે.

એક નાગરિકે હાઇકોર્ટમાંથી આર.ટી આઈ. દ્વારા એક કેસના દસ્તાવેજોના નકલોની માંગણી કરી હતી જે ત્રાહિત વ્યક્તિના સંદર્ભે હતી. હાઇકોર્ટના પી.આઈ.ઓ.એ  કહ્યું કે જો તમને આ નકલો જોઈતી હોય તો તમે હાઇકોર્ટના નિયમો મુજબ અરજી કરી યોગ્ય સ્ટેમ્પ ચોટાડી, ફી ભરી, સોગંદનામું દાખલ કરી અરજી કરો. અરજદારે કહ્યું કે આર.ટી. આઈ. હેઠળ કરેલ અરજીમાં આ જોગવાઈઓ લાગુ પડતી નથી. પણ પી.આઈ.ઓ.એ અરજી રદ્દ કરતા કહ્યું કે અમે ફક્ત હાઇકોર્ટના નિયમો મુજબ જ નકલો આપીશું. અરજદારે પી.આઈ.ઓ.ના નિર્ણય સામે હાઇકોર્ટની અપેલેટ ઓથોરિટી સમક્ષ અપીલ કરી. અપેલેટે પણ પી.આઈ.ઓ.ના નિર્ણયને સમર્થન આપી અપીલ નકારી કાઢી. આ અરજીને જી.એસ.આઈ.સી. સમક્ષ પડકારવામાં આવી જેમણે પી.આઈ.ઓ.ને નકલો આપવા આદેશ કર્યો. હવે પી.આઈ.ઓ.એ  જી.એસ.આઈ.સી.ના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો.

હાઇકોર્ટની સિંગલ બેન્ચે વચગાળાનો આદેશ આપી જી.એસ.આઈ.સી.ની અરજી માન્ય રાખી  પી.આઈ.ઓ.ને નકલો આપવા આદેશ કર્યો. સિંગલ બેંચના આદેશથી નારાજ થઇ પી.આઈ.ઓ.એ ડિવિઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરી. ડિવિઝન બેન્ચે જી.એસ.આઈ.સી.ની તરફેણમાં અપાયેલ સિંગલ બેંચના આદેશને રદ્દ કર્યો અને જણાવ્યું કે દસ્તાવેજોની નકલો હાઈકોર્ટના નિયમો મુજબ જ આપી શકાય.

હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. અરજદારે રજૂઆત કરી કે હાઇકોર્ટના નિયમો મુજબ નકલોની માંગણી માટે કારણ દર્શાવવું પડે. પણ આર.ટી.આઈની જોગવાઈઓ મુજબ કારણ દર્શાવવાની જરૂર નથી અને રજૂઆત કરી કે જો હાઇકોર્ટના નિયમો અને આર.ટી.આઈ.ની જોગવાઈઓ વચ્ચે સંઘર્ષ થાય તો આર.ટી.આઈ.ની જોગવાઈઓ ઉપરવટ રહેશે. પણ સુપ્રીમ કોર્ટે આ દલીલ રદ્દ કરતાં જણાવ્યું કે કાયદાઓની જોગવાઈઓ મુજબ હાઇકોર્ટના નિયમો આર.ટી. આઈ.ની જોગવાઈઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે.