(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
ઉત્તરાયણની ઉજવણીને લઈ પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે આજરોજ હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, પતંગ ઉડાડવા પર કોઈ પ્રતિબંધ નથી. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા યોગ્ય છે અને તેનું પાલન થાય તે જરૂરી છે. ઉપરાંત તા.૧૧થી ૧૪ જાન્યુઆરી સુધી રાત્રી કરફ્યુનો કડકપણે અમલ કરવા પણ જણાવાયું છે, આમ ઉત્તરાયણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી હાઈકોર્ટે નકારી કાઢી હતી. સરકારે ૧૩ મુદ્દાનો પરિપત્ર કરવાની ખાતરી આપી છે, જેનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે.
ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોસિએશને હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. તેમની માગણી હતી કે, આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઈકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઈએ. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ સાથે જ ઉત્તરાયણની ઉજવણી દરમિયાન કેટલાક પ્રતિબંધો અને ખાસ બાબતોનું ધ્યાન રાખવા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં ફ્લેટ, એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં રહેતાં રહીશો સિવાય કોઈ મહેમાનોને ધાબા પર પ્રવેશ આપવામાં આવે નહીં. સાથે જ ધાબા કે અગાશી પર એક જ સમયે વધુ ભીડ થવી ન જોઈએ. જો ભીડ થશે તો સોસાયટીના સેક્રેટરી કે ચેરમેન જવાબદાર ગણાશે.
ઉપરાંત પતંગ અને દોરીના બજારોમાં પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવી સરકાર તરફથી હાઈકોર્ટમાં ખાતરી આપવામાં આવી છે. સાથે જ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. ૬૨૫ કરોડનો પતંગ ઉદ્યોગ સંપૂર્ણ બંધ ન કરી શકાય. ઉપરાંત તા.૧૧થી ૧૪ જાન્યુઆરીના રોજ રાત્રી કરફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. જાહેરહિતની મૂળ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ઉત્તરાયણ દરમિયાન મહામારી વકરે નહીં તે માટે તા.૯થી ૧૭મી જાન્યુઆરી સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવો જોઈએ. આ ઉપરાંત લોકો પતંગ-દોરી ખરીદવા બજારોમાં ઉમટી ન પડે તે માટે પતંગ-દોરીના વેચાણ પર પણ પ્રતિબંધ હોવો જોઈએ. જ્યારે સામે પક્ષે પતંગ ઉત્પાદકોની રજૂઆત હતી કે, જો આવો પ્રતિબંધ લાદવામાં આવશે તો સમગ્ર વર્ષ દરમિયાન તેમણે કરેલી મહેનત વ્યર્થ જશે અને તેમના જીવનનિર્વાહ પર ખૂબ જ વિપરિત અસર થશે. મૂળ અરજદારે કરેલી માગણી પતંગ ઉત્પાદકોના બંધારણી અધિકાર પર તરાપ સમાન હોવાની રજૂઆત પણ આ અરજદારો દ્વારા કરવામાં આવી છે.