(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧પ
કેદીની વચગાળાની જામીન અરજી ફગાવતા હાઈકોર્ટે જેલ સત્તાધીશોને આદેશ કર્યો છે કે, જે કેદીઓના વચગાળાના જામીન (હાલની સ્થિતિમાં) મંજૂર થતાં નથી, તેમના બાળકોના અભ્યાસ માટે જરૂરી નાણાકીય સુવિધા ઊભી કરવા માટે મદદ કરો. ૧૯ મે ૨૦૦૫ના રોજ રાજ્ય સરકારે ઠરાવ કરેલો છે કે, કેદીઓના બાળકોને યુનિફોર્મ, પાઠ્ય પુસ્તકો, નોટબૂક વિનામૂલ્યે આપવામાં આવશે. કેદીઓના બાળકોને આ ઠરાવનો લાભ મળે તે માટે જેલના સત્તાધીશો તેમને મદદ કરે. આ ઉપરાંત હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, જેલમાં રહેલા કેદીઓના પરિવારજનોને હાલની સ્થિતિમાં નાણાકીય રીતે અથવા તો તેમને જરૂરી કરિયાણાની કોઈ અછત પડે નહીં, તે માટે જેલ સત્તાધીશો ધ્યાન રાખે અને આ અંગેનો આદેશ ભૂતકાળમાં કરાયેલો જ છે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે તેના બાળકો કેન્દ્રીય વિદ્યાલયમાં ભણે છે. તેમના પુસ્તકો અને અન્ય વસ્તુઓ લાવવા માટે પૈસાની વ્યવસ્થા કરવા તથા કુટુંબ માટે કરિયાણાની અને અન્ય ખર્ચાઓ માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે વચગાળાના જામીન આપો. હાલ, તેના કુટુંબને અનાજના પણ ફાંફાં છે. બીજી તરફ રાજ્ય સરકારે અરજદારની આ વચગાળાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.