(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે સરકારના તમામ વિભાગમાં જનતાની જે અરજીઓ પડતર છે, તેના પર વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરવામાં આવે. જેથી સામાન્ય જનતાની અરજીઓ પર જલ્દીથી નિર્ણય આવી શકે અને તેમને પડતી મુશ્કેલીઓ ઘટી શકે. હાઇકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પડતર અરજીઓની વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરવા માટે સરકાર સક્ષમ નથી. જેના લીધે અરજીઓ કરનાર સામાન્ય જનતાને મુશ્કેલીઓ વેઠવી પડે છે. લોકોના હિતાર્થે રાજ્ય સરકાર પડતર અરજીઓ પર વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી શરૂ કરે. આ મુદ્દાને લઇને સરકાર ધ્યાન આપે.
હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે કચ્છ જિલ્લામાં માઇનિંગ લીઝ સંદર્ભની અરજી રાજ્યના ખાણ ખનીજ વિભાગના એપેલેટ કોર્ટ સમક્ષ વર્ષ ૨૦૧૯ થી પડતર છે અને હજુ સુધી તેના પર કોઈ નિર્ણય આવ્યો નથી. હાઇકોર્ટ એપેલેટ ઓથોરીટીને નિર્દેશ આપે કે આ અરજી પર જલ્દીથી સુનાવણી કરીને નિર્ણય આપવામાં આવે. હાલની સ્થિતિમાં અરજદારને સુનાવણી માટે રૂબરૂ બોલાવવા હિતાવહ નથી, તેથી એપેલેટ ઓથોરીટી આ અરજી પરની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરે. વર્તમાન સમયમાં હાઈકોર્ટ પણ વીડિયો કોન્ફરન્સથી વિવિધ અરજીઓની સુનાવણી કરે છે. આ રીતે સુનાવણી થશે તો અરજદાર, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને રૂબરૂ આવવાની જરૂર પડશે નહીં અને સૌની સલામતી પણ જળવાઈ રહેશે.
બીજી તરફ સરકારી વકીલની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે એપેલેટ ઓથોરીટી ખાણ ખનીજ વિભાગ આ અરજીને વીડિયો કોન્ફરન્સિંગથી કે રૂબરૂ સાંભળવા માટેની સ્થિતિમાં નથી. જો અરજદાર લેખિતમાં તેની રજૂઆતો સુપ્રત કરાવશે, તો તેના પર વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવશે. આ રજૂઆત બાદ અરજદાર એ પણ લેખિત રજુઆતો કરવા માટેની તૈયારી દર્શાવી છે.
સુનાવણી બાદ હાઇકોર્ટે આદેશ કર્યો છે કે ખાણ ખનીજ વિભાગની એપેલેટ ઓથોરીટી અરજદારની અરજી પર વહેલામાં વહેલી તકે નિર્ણય લે અથવા તો અરજી કર્યાના ચાર સપ્તાહમાં નિર્ણય લેવામાં આવે. આ માટે અરજદારને પણ નિર્દેશ છે કે તે બે સપ્તાહમાં લેખિત રજૂઆતો કરે. કેસની વિગત જોઈએ તો અરજદારે કચ્છમાં માઇનીંગ લીઝ માટે અરજી કરેલી હતી. જોકે કલેક્ટરે આ અરજી નકારી દીધી હતી અને કારણ આપ્યું હતું કે વર્ષ ૨૦૧૭ના નવા નિયમ મુજબ લીઝ માટે હરાજી થાય છે. કચ્છ કલેકટરના આદેશ સામે અરજદારે ખાણ ખનીજ એપ્લેટ ઓથોરિટી સમક્ષ વર્ષ ૨૦૧૯માં અરજી કરેલી છે. જોકે ત્યાં સુનાવણીમાં વિલંબ થતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.