(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર
ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોલેજમાં ભણતા છોકરાઓને (સગીર) Pocso (Protection Of Children From Sexual Offence) એક્ટની જોગવાઈઓ અંગે શિક્ષણ આપવામાં આવે. આ કાયદા અંગે જાણકારી હશે તો પ્રેમમાં પડેલા યુવાનોને (સગીર) ભૂલ કરતા અને ગંભીર ગુનામાં ફસાતા બચાવી શકાશે. સગીર છોકરા-છોકરીના ભાગી જવાના કેસમાં થયેલી હેબિયસ કોર્પસની અરજીમાં હાઈકોર્ટની ખંડપીઠનું અવલોકન છે કે, કાયદા અંગેની અજ્ઞાનતાના લીધે સગીરોને પોક્સોના કાયદા હેઠળ ગંભીર આરોપોનો સામનો કરવો પડે છે. યુવાન છોકરાઓ કે જેઓ સગીર છે તેઓ પોતાની પ્રવૃત્તિથી શું પરિણામ આવશે તેનાથી અજાણ અથવા તો બેદરકારીના લીધે પોક્સોના કાયદા હેઠળ પોતાને ગુનેગાર બનાવી દે છે અને ગંભીર આરોપોનો સામનો કરે છે જેના લીધે, આ સગીર છોકરાઓને કાયદા હેઠળ કડક સજા થાય છે. પોક્સોનો કાયદો સગીર છોકરીઓને સુરક્ષા આપવા માટેનો છે. જો કે, પ્રેમમાં રહેલા છોકરાઓ સગીરાઓ સાથે ભાગી જાય છે જેથી આ છોકરાઓ દુષ્કર્મના આરોપનો સામનો કરે છે. કોર્ટ આ સગીર છોકરાઓને લઈને ચિંતિત છે, તેથી આ સગીર છોકરાઓને પોક્સોના કાયદાનું શિક્ષણ આપવામાં આવે. હાઈકોર્ટનું એ પણ કહેવું છે કે, સગીર છોકરાઓ અને બાળકોને પોક્સોના કાયદાની ખરા અર્થમાં સમજણ આપવી જરૂરી છે. આ કાયદા અંગે બાળકોને જાણકારી આપવાથી તેઓ કાયદાને લઈ શિક્ષિત બનશે અને સમાજ પણ આ સગીર છોકરાઓ અને બાળકોને રક્ષણ આપી શકશે. જેથી સગીર છોકરાઓ પોક્સોના કાયદા હેઠળ ગુનેગાર બનતા બચી શકશે. કેસની વિગત જોઈએ તો મહેસાણામાં એક માસ પહેલાં સગીર છોકરા-છોકરીઓ ભાગી ગયા હતા. આ ઘટના બાદ સગીરાના મા-બાપે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. આ પછી ગત સપ્તાહે સગીરા મળી આવી હતી. પરંતુ સગીર છોકરો હજુ ફરાર છે આ સગીર છોકરા પર પોક્સોના હેઠળ આરોપ છે. બીજી તરફ સગીરાએ તેના મા-બાપ સાથે જવાની ના પાડી છે, તેથી તેને પાટણ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. છોકરીનું નિવેદન છે કે, તેના માતા-પિતા તેના લગ્ન મોટી ઉંમરના યુવક સાથે પરાણે કરવા માંગે છે. સગીરાના મા-બાપે હાઈકોર્ટમાં બાંહેધરી આપી છે કે, તેણી ૧૮ વર્ષની થાય નહીં ત્યાં સુધી તેના પર લગ્નનું દબાણ કરવામાં આવશે નહીં.