(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
કેન્દ્ર સરકારે ચાલુ વર્ષથી હજયાત્રા પર આપવામાં આવતી કહેવાતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે એ ખરેખર આવકારદાયક પગલું ગણાય. કારણ કે હજયાત્રાએ કોઈની ખૈરાતથી નહીં પરંતુ પોતાના હલાલના નાણાથી જ કરવી બહેતર છે. આથી આટલા વર્ષો સુધી સબસિડીના નામે લોકોને ગુમરાહ કરવામાં આવતા હતા તે હવેથી બંધ થશે. હવે આપણે સબસિડીના નામે અત્યાર સુધી હાજીઓને કઈ રીતે લૂટવામાં આવતા હતા અને હવે સબસિડી બંધ કર્યા બાદ હાજીઓ કઈ રીતે લૂટાશે તે જાણવું જરૂરી છે. ભારત સરકારના લઘુમતી મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ગતરોજ મોટા ઉપાડે જાહેરાત કરી કે સબસિડી બંધ કરવાથી રૂા.૭૦૦ કરોડની બચત થશે. હકીકતમાં આ રકમ અપાતી જ નહતી ઉલટાનું વિમાન ભાડા પેટે હાજીઓ પાસેથી અન્ય એરલાઈન્સ કરતાં વધુ રકમ વસૂલ કરવામાં આવતી હતી. વર્ષ ર૦૧૬માં હજયાત્રી દીઠ રૂા.પ૮ હજાર વસૂલ્યા હતા તો ગતવર્ષે ર૦૧૭માં રૂા.૧પ હજારના વધારા સાથે ૬૩ હજાર લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ખાનગી એરલાઈન્સ રૂા.૩૦થી ૩પ હજારમાં લઈ જતી હોય છે. આ અંગે જમિઅત ઉલમા બનાસકાંઠા જિલ્લાના જનરલ સેક્રેટરી અતિકરેહમાન કુરેશી જણાવે છે કે, ખાનગી ટૂર ઓપરેટરો હાજીઓને લઈ જતા હોય છે ત્યારે એર ટિકિટના ૩૦થી ૩પ (સિઝન મુજબ અલગ-અલગ) લેતા હોય છે ત્યારે ખાનગી ટુર અને હજ કમિટીના વિમાન ભાડામાં રપથી ૩૦ હજાર રૂપિયાનો તફાવત કેમ? હજ કમિટી સામૂહિક ટેન્ડર બહાર પાડી વિશ્વની એરલાઈન્સોને બીડમાં કેમ બોલાવતી નથી ? જો આવું કરવામાં આવે તો હરિફાઈના સમયમાં ૧.રપ લાખથી વધુ મુસાફરો મળતા હોય તો વિશ્વની સર્વશ્રેષ્ઠ એરલાઈન્સોની લાઈન લાગી જાય અને સસ્તા ભાડાનો હાજીઓને પણ લાભ મળી શકે પરંતુ આમ નકરે હજ કમિટી હાજીઓના ખિસ્સા ખંખેરી રહી છે. બીજું ખાનગી ટૂર ઓપરેટરો હજમાં લઈ જાય છે, તેઓને છ-આઠ મહિના અગાઉ એડવાન્સમાં રકમ ભરવામાં આવે તો સવા બે લાખમાં એક હાજીની હજ થઈ જાય તેમાં ભાડું થ્રી સ્ટાર હોટલમાં રહેવાનું સવારનો નાસ્તો, બે સમય જમવાનું લોન્ડ્રી વિવિધ સ્થળોની ઝિયારતો તથા રહેઠાણથી લાવવા લઈ જવાની ઉત્તમ સુવિધા આપવામાં આવે છે. જ્યારે હજ કમિટી લગભગ બે લાખ જેટલી રકમ વસૂલ કરતી હોવા છતાં ઓછી સુવિધા ધરાવતી બિલ્ડીંગોમાં એ પણ એક રૂમમાં છ-છ હાજીઓને રાખવામાં આવે છે. (નિયમ મુજબ એકરૂમમાં વધુમાં વધુ ત્રણ હાજીઓને રોકાણ આપવાનો નિયમ છે) આમ હજ કમિટી પૂરા નાણાં વસૂલતી હોવા છતાં પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. જ્યારે હાજીઓને જે ર૧૦૦ રીયાલ એટલે કે ૩૬ હજારની આસપાસ જે રકમ પરત કરવામાં આવે છે તે હકીકતમાં સબસિડી છે જ નહીં પરંતુ હજયાત્રીઓ જે રકમ ભરે છે. તેમાંથી જ તેમને પરત આપવામાં આવે છે. ગત વર્ષે હજયાત્રીઓ પાસેથી અઝીઝીયા કેટેગરીમાં રૂા.૧૯૯૦૦૦થી વધુ રકમ ઉઘરાવવામાં આવી હતી. તેમાંથી ઉપરોકત ૩૬ હજાર બાદ કરવામાં આવે તો રૂા.૧,૬૩૦૦૦ દરેક હાજીએ ચૂકવ્યા હતા. હવે આપણે હાજીદીઠ વિમાન ભાડુ વધુમાં વધુ ૩પ૦૦૦ મક્કાશરીફમાં રપ દિવસ રહેવાનો ખર્ચ પ૦,૦૦૦ મદીના શરીફમાં ૧પ દિવસ રહેવાનો ખર્ચ ર૦,૦૦૦ તથા મોઅલ્લીમ ફી અને અન્ય ખર્ચ વધુમાં વધુ રપ હજાર ગણીએ તો કુલ ૧,૪૦,૦૦૦ વધુમાં વધુ ખર્ચ થાય જ્યારે કહેવાતી સબસિડી બાદ કર્યા પછી દરેક હાજીદીઠ રૂા.૧૬૩૦૦૦ વસૂલવામાં આવે છે તે પણ ખરેખર ખર્ચ કરતા ર૩ હજાર રૂપિયા વધારે છે. જ્યારે ગત વર્ષે વિમાનનું ભાડુ રૂા.૬૩ર૮પ વસૂલવામાં આવ્યું હતું એટલે કે એરઈન્ડિયા મારફત જે હાજીઓ જાય તેમને સબસિડી આપવામાં આવતી હોવાનું કહેવાય છે. જ્યારે ગતવર્ષે ગુજરાત બોમ્બે અને હૈદરાબાદના હાજીઓ સઉદી એરલાઈન્સથી ગયા હોવાથી સબસિડી લીધી નહતી. આમ સબસિડી આપવાની જે મોટી જાહેરાતો કરવામાં આવતી હતી તે સબસિડી હતી જ નહીં ઉલટાનું હાજીઓ પાસેથી નાણાં ખંખેરી એરઈન્ડિયાની ખોટ પૂરવામાં આવતી હતી. ગતવર્ષે દેશભરમાંથી ૧.૩પ લાખ હાજીઓ હજ પઢવા ગયા હતા આથી હાજી દીઠ ર૩ હજાર વધારાના ઉઘરાવ્યા હોવાની ગણતરી કરીએ તો પણ ૩૦૦ કરોડથી વધુ રકમ થવા જાય છે તો પછી સબસિડીના નામે સરકાર ઉલટાનું હાજીઓ પાસેથી જ લૂટ ચલાવતી હતી તે જણાઈ આવે છે.

ભાજપ સરકારે મુસ્લિમ બાળકોની શિષ્યવૃત્તિની ગ્રાંટ વાપરી જ ન હતી

કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રીએ હાજીઓની સબસિડી બંધ કરવાની જાહેરાત કર્યા બાદ સરકારના જે ૭૦૦ કરોડ બચસે તેને સમાજની મહિલાઓના શિક્ષણ અને સશક્તિકરણ પાછળ ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. પરંતુ હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના વડાપ્રધાન હતા ત્યારે કેન્દ્ર સરકારની લઘુમતીના ઉત્કર્ષ માટે અપાતી ગ્રાન્ટનો મુસ્લિમ બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં કર્યો નહતો જે ગ્રાન્ટ પરત ગઈ હતી એમ જણાવી જમિયત ઉલમા બનાસકાંઠાના જનરલ સેક્રેટરી જણાવે છે કે સરકારે આપેલી ગ્રાન્ટનો મુસ્લિમ બાળકો માટે ઉપયોગ ન કરતા પાછી ગઈ હતી. જ્યારે હવે મુસ્લિમ મહિલાઓ માટે રૂા.૭૦૦ કરોડ વાપરવાનું કહે છે જે ખરેખર વાપરવામાં આવે તો આવકારદાયક છે.