(એજન્સી) રિયાધ,તા.ર૧
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સઉદી અરેબિયાએ હજ યાત્રા માટે વિઝાની અરજી કરતા પહેલા વેક્સિનેશન અને સ્વાસ્થ્યના જરુરી માપદંડોનું પાલન કરવા અંગે જાહેરાત કરી છે. જોકે આ માપદંડોનું પાલન એટલા માટે કરવાનું કહેવાયું છે કે તાજેતરના વર્ષોમાં જ ઝિકા વાઇરસ, ડેન્ગ્યૂ, એમઇઆરએસ, કમળો, કોલેરા, મેનિનજીટિસ, પોલિયો તથા મૌસમી તાવ જેવા રોગોમાં વધારો થયો છે. આ કારણે જ આવા રોગો બીજાને અસર ન કરે તે હેતુથી વેક્સિનેશન કરાવવાની જાહેરાત કરાવવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે મેનિનજીટિસ નામના રોગ માટે દરેક સ્થાનિક તેમજ વિદેશી હાજીઓએ પણ વેક્સિનેશન ફરજીયાતપણે કરાવવું પડશે. જોકે તાવ માટેની રસી લેવાનું ફરજીયાત કહેવાયું નથી. પરંતુ વાતાવરણ અને સ્થિતિને જોતાં જો હાજીઓ આ વેક્સિનેશન કરાવે તો તેમના માટે ફાયદાકારક રહેશે. અધિકારીઓએ ડાયાબિટિસ, હાઈપરટેન્શન, કિડની સંબંધી રોગ ધરાવતા હાઇરિસ્ક દર્દીઓને સલાહ આપી છે કે તેઓ ખાસ કરીને તાવ સંબંધિત વેક્સિન લઇ જ લે. જેનાથી તેમને આગામી પવિત્ર હજયાત્રા દરમિયાન કોઇપણ પ્રકારની અડચણ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમ ર૦૦પ મુજબ હાજીઓએ કમળા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ લઇને આવવું પડશે. લાઈફ લોંગ સર્ટિફિકેટ વેક્સિનેશન કરાયાના ૧૦ દિવસ સુધી માન્ય રહેશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે એરક્રાફ્ટ, શિપ તથા અન્ય જે પણ ટ્રાન્સપોર્ટેશન સુવિધા દ્વારા હાજીઓ હજ પઢવા જાય છે તેમને નિર્દેશ અપાયો છે કે હાજીઓ ખાસ કરીને કમળાની રસી લીધાનું સર્ટિફિકેટ રજૂ કરે. અફઘાનિસ્તાન, નાઇજીરિયા અને પાકિસ્તાનના જેવા દેશોથી આવતા લોકો માટે પણ આ નિયમ લાગુ પડશે. દરેકે વિઝાની અરજી કરતી વખતે વેક્સિનેશન કરાયાના પુરાવા અને સર્ટિફિકેટ રજૂ કરવા પડશે. હાજીઓ માટે પોલિયોની રસી પણ લેવી જરુરી છે.