(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
આણંદ જિલ્લાનાં હાડગુડના જહાંગીરપુરા રોડ પર આવેલા રઝાનગર-૨માંથી ગુરૂવારે ગેરેજ મિકેનીકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ શુક્રવારે રાત્રે તેનાં કલોઝ સંપર્કમાં આવેલા બે મિત્રોનાં પણ કોરોનાં વાયરસ પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, અને પોલીસ દ્વારા ગામમાં કલસ્ટર કવોરોન્ટાઈનનો કડક અમલ શરૂ કરી દેવાયો છે.તે સાથે જ આણંદ જિલ્લામાં કોરોનાં કવોરોન્ટાઈન દર્દીઓની સંખ્યા પાંચ નોંધાઈ છે.
હાડગુડ ગામમાં ગુરુવારે ગેરેજ મિકેનીકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેના કલોઝ સંપર્કમાં આવેલા ૧૮ વ્યકિતઓ સેમ્પલ લઇને તપાસ માટે અમદાવાદ મોકલી આપ્યા હતા. જેમાંથી ૨ વ્યક્તિના શુક્રવારે મોડીરાત્રે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ હતી. આમ હાડગુડમાં માત્ર ૩૬ કલાકમાં ૩ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. મોડીરાત્રે પુનઃ આરોગ્યની ટીમો ગામમાં પહોંચી ગઇ હતી. પોઝિટિવ રિપોર્ટ ધરાવતા બંને વ્યકિતના પરિવારજનો અને તેના નજીકના સંપર્ક આવેલા વ્યકિતઓને શોધીને તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, અને તેઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા,જયારે કોરોનાં પોઝિટિવ આવેલા બન્ને દર્દીઓની કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી. છારીએ જણાવ્યું હતું.