(એજન્સી)                                         નવી દિલ્હી, તા.૪

હાથરસ ગેંગરેપ અને હત્યાનો મામલો હવે જાતિવાદનો  રંગ પકડતો જાય છે. એક તરફ દલિત પીડિતાને ન્યાય અપાવવા દેશભરમાંથી માંગ ઊઠી રહી છે ત્યારે બીજી તરફ ઠાકોર સમુદાયના  આરોપીઓને બચાવવા ઉચ્ચ જાતિના લોકો તેમજ કટ્ટરવાદી હિન્દુ સંગઠનો મેદાને પડી અને દેખાવો યોજી રહ્યાં છે. ઠાકુર સમુદાયના આરોપીઓની તરફેણમાં રેલી યોજનારાઓમાં બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ, કરણી સેના જેવા અંતિમવાદી સંગઠનો ઉપરાંત આશ્ચર્યજનક રીતે શાસક ભાજપના નેતાઓનો સમાવેશ થાય છે. ભાજપના નેતા રાજવીર સિંહ પહેલવાને જણાવ્યું હતું કે, પીડિતાના પરિવારે શા માટે શરૂઆતમાં એક જ આરોપીનું નામ લખાવ્યું હતું અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓના નામ લીધા. અમે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સીબીઆઈ તપાસના અપાયેલા આદેશને આવકરીએ છે. હવે સચ્ચાઈ બહાર આવશે. સચ્ચાઈના શબ્દપ્રયોગ બદલ પ્રશ્ન કરાતાં તેમણે જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ રીતે હાથરસ જેવા સ્થળે બળાત્કારની ઘટના બની હોવાના બોગસ અહેવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ રેપની ઘટના નથી.