જામનગરમાં યુવતી ઉપર ચાર નરાધમોએ દુષ્કર્મ આચર્યું • સંતરામપુરમાં દુષ્કર્મ આચરી બ્લેકમેઈલ કરી બળાત્કાર • બોડેલીમાં દુષ્કર્મ આચરી યુવતીનો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો • વડોદરામાં યુવતી ઉપર દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદ,તા.૪

સુરક્ષિત ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતમાં મહિલાઓની સલામતી સામે સવાલ ઉભા થયા છે. કેમ કે છેલ્લા ર૪ કલાકમાં દુષ્કર્મની ચાર ઘટનાના બનાવ બહાર આવ્યા છે જો કે એક તરફ યુપીના હાથરસમાં દુષ્કર્મની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ બે દુષ્કર્મની ઘટના સામે આવતા રાજયમાં મહિલાઓ કેટલી સલામત છે ?? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. બે દુષ્કર્મની ઘટનાઓ અંગે વિગત વાર વાત કરીએ તો જામનગર શહેરમાં પણ ગેંગરેપની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે ગત ૨૯ સપ્ટેમ્બરે ૧૭ વર્ષની યુવતી પર ચાર નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું અને બીજી તારીખે ફરિયાદ નોંધાઈ હતી. ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે. પોલીસે સગીરાનું પણ નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. જામનગર ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડી જઈ તપાસ હાથ ધરી છે. લોકો ચારેય શખ્સો પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે માસૂમ સગીરાને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નોંધનીય છે કે હાલ તે સારવાર હેઠળ છે. નોંધપાત્ર છે કે એલસીબી એસઓજી અને સીટી સી-ડિવિઝનની ટીમે ૪ માંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જામનગરના પોલીસે જણાવ્યું હતું કે, ૨ ઓક્ટોબરના રોજ ફરિયાદીએ સિટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભોગ બનનારે ચાર શખ્સો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ આપી છે. જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદ દાખલ થતા જ પોલીસે ત્રણ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. ચોથો આરોપી ફરાર છે તેને પકડવા માટે અમે પોલીસની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. હાલમાં જામનગર મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ તપાસ ચલાવી રહ્યા છે. સગીરા સાથે એક આરોપીને સબંધ હતો અને પછી તેના ત્રણ મિત્રોએ શરીર સંબંધ બાંધેલા હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જાહેર કર્યુ છે.

તો બીજી તરફ મહીસાગરના સંતરામપુર ખાતે અત્યંત ચોંકવાનારી ઘટના સામે આવી છે. જેમાં સંતરામપુરના એક ગામની પરિણીતાએ ગત રોજ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોધાવી છે. ગામના જ બે  યુવકોએ પરિણીતા સાથે પરિચય કેળવ્યો હતો અને ધીમેધીમે વાતચીત વધી હતી. ત્યાર બાદ બંને નરાધમોએ ફોન કરી પરિણીતાને બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે પરિણીતાનો પતિ ઘરે ના હોય ત્યારે બન્ને નરાધમો પરિણીતાના ઘરે આવી જતા અને દુષ્કર્મ આચરતા હતા. નોંધનીય છે કે બન્ને નરધમોએ ધમકી આપી પરિણીતાનું મો બંધ કરાવી દેતા હતા.  યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપી છેલ્લા ૧૫ દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર ગેંગ રેપ કરવામાં આવતો હતો. મહિલાને આરોપીઓ પોતાના ઘરે બોલાવી ડરાવી ધમકાવી વારાફરથી ગેંગરેપ આચરીને પીડિત મહિલાના બાળકોને મારી નાખવા સહિતની ધમકી આપતાં હતાં. જોકે ધમકીથી ડરી ગયેલી મહિલાનો આરોપીઓ વારંવાર લાભ લેતા હતાં. પરંતુ પીડિત મહિલાએ સાહસ કરીને સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી લીધી છે.

જયારે છોટાઉદેપુરના બોડેલીની વાત  કરીએ તો એક યુવકે સોશિયલ મીડિયાથી એક યુવતી સાથે મિત્રતા કરી હતી. ત્યાર બાદ પ્રેમસંબંધ રાખવા દબાણ કરીને યુવતીને ઘરે બોલાવી હતી અને રૂમમાં લઈ જઈને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદ યુવક વારંવાર યુવતીને મળવા બોલાવવા છતાં યુવતી તેને મળવા ગઈ ન હતી. જેથી યુવાને યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને યુવતીનો બિભત્સ વીડિયો અપલોડ કરી દીધો હતો. તેથી સમગ્ર મામલે યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ વડોદરાની વાત કરીએ વડોદરાના વાસણા ભાયલી રોડ ખાતેની સોસાયટીમાં રહેતા યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને બે વર્ષ  સુધી ઘરમાં રાખીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આમ છેલ્લા ર૪ કલાકમાં દુષ્કર્મની ચાર ફરિયાદ નોંધાતા મહિલા સુરક્ષા અને મહિલા સલામતીની વાતો પોકળ સાબિત થઈ છે.