ડીસા,તા.૩
સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર ઉત્તર પ્રદેશના હાથરસની વાલ્મીકિ સમાજની દિકરી મનીષાનું ગળું દબાવી જીભ કાપી નાખીને દુષ્કર્મ આચર્યું હતું. જે દિકરીએ ૧૪ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દમ તોડી દેતાં સમગ્ર ભારતમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને દુષ્કર્મ આચરનાર આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી સમગ્ર ભારતમાં માંગ ઉઠવા પામી છે ત્યારે હાથરસની આ અમાનુષી ધટનાને ડીસામાં વાલ્મીકિ સમાજે વખોડી કાઢી હતી અને ભારે આક્રોશ સાથે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હત્યારાઓને કડક સજાની જોગવાઇ કરવામાં નહીં આવે તો વાલ્મીકિ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી વાલ્મીકિ સમાજ તથા વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવી હતી.