(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૫
હાથરસ કાંડ મામલે આણંદ શહેરમાં રૂદ્રાક્ષ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રેલ્વે ગોદી પાસેથી રેલી કાઢવાનો પ્રયાસ કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓની અટકાયત કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે પોલીસે મહિલાઓ સહિત છ કાર્યકરોની અટકાયત કરી હતી. રૂદ્રાક્ષ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કીરણકુમાર સોલંકીના નેતૃત્વમાં આજે વાલ્મીક સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રેલ્વે ગોદી પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને મંજુરી વિના રેલી કાઢવા જતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવાનો પ્રયત્ન કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે પોલીસે કિરણભાઈ સોલંકી, સંગીતાબેન વાઘેલા, કોકીલાબેન સોલંકી (ક્ષત્રિય સમાજ સુધારક સમિતિ), ગીતાબેન મહેશભાઈ શર્મા, માણેકબેન રમણભાઈ ચાવડા, રંજનબેન મહેન્દ્રસિંહ રાઠોડ, શ્વેતાબેન કેતનભાઈ પંચાલ, મીનાબેન વસંતલાલ વસાવા સહિત કાર્યકરોની અટકાયત કરી તેઓને ટાઉન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
ટાઉન પોલીસે અટકાયત કરાયેલા કાર્યકરોને મુક્ત કર્યા બાદ રુદ્રાક્ષ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેથી બળાત્કાર અને અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ ઉત્પીડન, મહિલા ઉત્પીડન કાયદા હેઠળ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.