(એજન્સી) હાથરસ, તા.૨૧
હાથરસમાં દલિત યુવતી સાથે થયેલ હેવાનિયત બાદ વાલ્મિકિી સમુદાયનાં લોકો ખૂબ જ દુઃખી છે. યુપી સરકાર અને પ્રશાસનની નારાજગીના કારણથી ૧૪ ઓક્ટોબરે ગાઝિયાબાદ જિલ્લામાં વાલ્મિકી સમુદાયના ૨૩૬ લોકોએ હિન્દુ ધર્મ છોડીને બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો છે. આ સમગ્ર મામલો ગાઝિયાબાદના સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કરહૈડાનો છે. જ્યાં ડો.બી.આર. આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે ૫૦ પરિવારોને બોદ્ધ ધર્મની દીક્ષા અપાવી હતી. પરિવારનો આરોપ છે કે આ લોકો હાથરસ કાંડથી ખૂબ જ વધારે દુઃખી થયા છે. સતત આર્થિક તંગીથી ઝઝૂમ્યા છતાં, તે લોકોને કોઈ સાંભળતું નથી અને દરેક લોકો તેઓની અવગણના કરે છે. ગત ૧૪ તારીખનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાજરત્ન આંબેડકર આ લોકોને બોદ્ધ ધર્મની શિક્ષા આપી રહ્યા છે. હિંડન એરબેઝની પાસે સાહિબાબાદ ક્ષેત્રમાં વાલ્મિકી સમાજની વસ્તી છે.અહીં મોટી સંખ્યામાં દલિત અને વાલ્મિકી સમાજના લોકો રહે છે. ગત ૧૪ તારીખે અહીં લગભગ ૨૩૬ લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બોદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જેમાં મોટા ભાગનાં લોકો વાલ્મિકી સમાજના છે. જ્યારે અમુક દલિત સમાજના પણ છે. આ તમામને ભારતીય બોદ્ધ મહાસભા તરફથી એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. બોદ્ધ ધર્મ અપનાવનાર લોકોમાં હાથરસમાં થયેલ ઘટનાને લઈ ખુબ જ નારાજગી છે. આ ઉપરાંત પોલીસે જે રીતે રાત્રે અંધારામાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા, તેને લઈને પણ લોકોમાં ખૂબ જ નારાજગી છે. આ ઉપરાંત ખરાબ આર્થિક સ્થિતિ અને બેરોજગારી પણ ધર્મ પરિવર્તનનું મુખ્ય કારણ જણાવવામાં આવી રહ્યું છે. તેમજ તેઓ હાલની સરકારથી પણ નારાજ છે.