(એજન્સી)
નવી દિલ્હી, તા.૯
નાગરિકોના અધિકારો માટે લડતી એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની સંસ્થા સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસે હાથરસ ગેંગરેપ અને હત્યા કેસની તપાસ કોર્ટની નિગરાની હેઠળ સી.બી.આઈ.ને સોંપવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે અને એ સાથે સાક્ષીઓની સુરક્ષાની માગણી પણ કરી છે. અરજીમાં જણાવ્યું છે કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ કેસને છાવરવા પ્રયાસો કરી રહ્યા છે. સી.જે.પી.એ સુપ્રીમ કોર્ટમાં પડતર હાથરસ કેસમાં દરમિયાનગીરી કરવા અરજી દાખલ કરી છે. અરજીમાં વિનંતી કરાઈ છે કે, જે સંજોગોમાં પીડિતાનું અંતિમ સંસ્કાર કરાયું હતું, એની તપાસ સુપ્રીમ કોર્ટના જજ દ્વારા કરાવવી જોઈએ. અરજીમાં રિપોર્ટના હવાલાથી કહેવાયું છે કે, તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, પીડિતા ઉપર જાતિય હુમલો થયો ન હતો. પીડિતાની માતાએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, પીડિતા સાથે બળાત્કાર થયો હતો અને પીડિતાએ પણ વીડિયો નિવેદનમાં કહ્યું હતું કે, એમની ઉપર સવર્ણ જાતિના વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો. જો કે, હવે બનાવટી વીડિયો ફરી રહ્યા છે જેમાં પીડિતા કહી રહી છે કે એમની ઉપર બળાત્કાર થયો ન હતો. અરજીમાં સી.જે.પી.એ વિનંતી કરી છે કે, પીડિતાના ઘરની બહાર સુરક્ષા માટે સી.આર.પી.એફ.ની ટુકડીઓ મોકલવી જોઈએ અને ઉત્તરપ્રદેશ કેડરના અધિકારીઓને નહીં મોકલવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ૭મી ઓક્ટોબરે આ કેસમાં સી.બી.આઈ.ની તપાસની માગણી કરતી જાહેરહિતની સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારને પીડિતાના કુટુંબીજનોને અને અન્ય સાક્ષીઓને સુરક્ષા આપવા માટે નિર્દેશો આપ્યા હતા અને એ માટે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ૧૯ વર્ષીય દલિત યુવતીનું ૨૯મી સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું. આ પહેલાં ૧૪મી સપ્ટેમ્બરે યુવતી ઉપર ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ થયું હતું અને સાથે એમને ગંભીર ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી.