(એજન્સી) તા.૧૪
હાથરસ દુષ્કર્મ કેસની તપાસ કોર્ટના નિરીક્ષણ હેઠળ કરાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક પીઆઈએલમાં કાર્યકર સત્યમ દુબેએ યુપી સરકારના સોગંદનામાનો જવાબ દાખલ કરી દીધો છે. દુબેએ જણાવ્યું કે, એસઆઈટીની રચના વિશે રાજ્યનું સોગંદનામું ફક્ત એક આઈવોશ છે એટલે કે ધ્યાન ભટકાવવાનો મામલો છે.
તેમાં કહેવાયું છે કે, આ સોગંદનામું નોટિસ જાહેર કરતા પહેલાં જ દાખલ કરાયું હતું જે ફક્ત કોર્ટનું ધ્યાન ભટકાવવા અને એ જણાવવાનો પ્રયાસ હતો કે, આ મામલે તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તેમાં કહેવાયું હતું કે, કોર્ટ સમક્ષ નોટિસ જાહેર થાય તે પહેલાં જ આ મામલાનું લિસ્ટિંગ થાય તે પહેલાં જ સોગંદનામું દાખલ કરી દેવાયું હતું. આ માનનીય કોર્ટનું ધ્યાન ભટકાવવા યુપી સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી. વર્તમાન કેસમાં અરજદારોએ ઉચ્ચ કોર્ટના માનનીય જજોના સર્વોચ્ચ અદાલતના સેવારત કે સેવાનિવૃત્ત સભ્યોની એસઆઈટી રચવાનો આગ્રહ કર્યો હતો. યુપી સરકાર દ્વારા ત્રણ સભ્યોની એસઆઇટીની રચના કરવામાં આવી હતી અને આ મામલા પર જે રીતે કાર્યવાહી કરવામાં આવી તેની આકરી ટીકાઓ પણ થઈ હતી. તેમણે જણાવ્યું કે, હાલની એસઆઈટીમાં અમુક સન્માનજનક વ્યક્તિઓ સામેલ છે પણ તેમણે કોર્ટથી સુપ્રીમકોર્ટને પૂર્વ જજોને સામેલ કરીને વધુ એક એસઆઈટી રચવાનો આગ્રહ કર્યો હતો. તેમાં જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, ડૉ. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ મદન લોકુર(નિવૃત્ત), જસ્ટિસ કુરિયન જોસેફ(નિવૃત્ત), જસ્ટિસ આર. ભાનુમતિ(નિવૃત્ત), જસ્ટિસ દીપક ગુપ્તા(નિવૃત્ત) ના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે યુપી સરકારના સોગંદનામામાં અનેક વિરોધાભાસ છે. રાજ્ય ફક્ત તેનો બોજો ઘટાડવા અને આ ઘટનાને દબાવી દેવા માટે પ્રયાસો કરી રહ્યું છે. આરોપ એવો પણ છે કે હત્યાના પ્રયાસ માટે આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે પણ આ મામલો નૃશંસ સામૂહિક દુષ્કર્મનો પણ છે.