(એજન્સી) તા.૨૨
ઉત્તરપ્રદેશના હાથરસની મુલાકાતે પહોંચેલા અનેક સામાજિક સંગઠનોના સમૂહ દ્વારા રચાયેલી સમિતિએ તેનો સત્ય શોધક અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં તેમણે ૧૯ વર્ષીય દલિત યુવતી પર કરાયેલા સામૂહિક દુષ્કર્મ મામલે અનેક સંસ્થાકીય ખામીઓ તથા તપાસમાં કોમ્પ્રોમાઈઝ કરાયાનો ખુલાસો કર્યો હતો.
અનેક સામાજિક સંગઠનોના નેશનલ એલાયન્સ પીપલ્સ મૂવમેન્ટની ટીમે ૯ ઓક્ટોબરના રોજ બૂલગઢી ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત તેમણે સીબીઆઈના કેસ હાથમાં લીધાના એક દિવસ પહેલાં લીધી હતી. નર્મદા બચાવો આંદોલન કાર્યકર મેઘા પાટકર, મેગ્સેસે એવોર્ડથી સન્માનિત સંદીપ પાંડે, આરટીઆઈ કાર્યકર અને લેખક મણી માલાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી ટીમે શોધ્યું કે આ મામલે તપાસ યોગ્ય રીતે કરવામાં આવી જ નથી.
તેમણે તેમના અહેવાલમાં ખુલાસો કર્યો હતો એફઆઇઆર નોંધવાના પહેલાં ૨૪ કલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. તેમ છતાં ત્યારે કોઈએ શારીરિક શોષણ કે દુષ્કર્મના એંગલની તપાસ જ કરી નહીં. જ્યારે તેને મૃત જાહેર કરવામાં આવી ત્યારબાદ તેના મેડિકલ પરીક્ષણો કરાયા હતા અને જેના પગલે દુષ્કર્મને સાબિત કરવામાં પડકાર ઊભો થયો.
અહેવાલમાં જણાવાયું કે પીડિત પરિવારના નિવેદનમાં કોઈ મતમતાંતર જોવા મળ્યો નથી. પરિવારજનોએ કહ્યું કે પીડિતાને હોસ્પિટલ તો લવાઈ પણ ડૉક્ટરો કે પોલીસ દ્વારા તેમને કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નહોતી.