(એજન્સી) નવી દિલ્હી/લખનઉ, તા. ૧
યોગી આદિત્યનાથના શાસનવાળા ઉત્તરપ્રદેશમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. હાથરસની દલિત યુવતી સાથે ઘાતકી દુષ્કર્મ બાદ મોતની ઘટના શાંત થઇ નથી ત્યાં છેલ્લા ૪૮ કલાકમાં જ ઉત્તરપ્રદેશના બલરામપુર, આઝમગઢ અને બાગપતમાં દલિત યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેઓ મોતને ભેટી હોવાના અહેવાલ મળી રહ્યા છે. બલરામપુરમાં દલિત કિશોરીને કેફી દ્રવ્ય પીવડાવી તેની સાથે ગેંગરેપ કર્યા બાદ ક્રૂર રીતે માર મારવામાં આવતા તે મોતને ભેટી છે. જ્યારે આઝમગઢની આઠ વર્ષની કિશોરી સાથે એક ૨૦ વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. દુષ્કર્મ બાદ પીડિતાને હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત ગંભીર બની છે. બીજી તરફ બાગપતમાં ૧૭ વર્ષની યુવતી સાથે દુષ્કર્મ થયા બાદ તેણે ઝેરી દવા ગટગટાવી જતાં તેની હાલત ગંભીર બની છે. આવી જ ઘટના બુલંદશહરમાં પણ બની છે જ્યાં પાડોશી યુવક દ્વારા ૧૪ વર્ષની કિશોરી સાથે રેપની ઘટના બની છે.
• યુપીના બલરામપુરમાં ૨૨ વર્ષીય દલિત વિદ્યાર્થિની સાથે સામુહિક બળાત્કાર બાદ તેની કમર અને બંને પગ ભાંગી નાખ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી દેવાઈ હતી, જ્યાં થોડા સમય પછી તેને દમ તોડી દીધો હતો. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવાયો છે. મૃતક વિદ્યાર્થીનીની માતાએ આરોપ લગાવ્યો છે કે પુત્રીને ઇન્જેકશન આપીને તેની પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને બાદમાં કમર અને બંને પગ ભાંગી રીક્ષામાં બેસાડીને ઘરે મોકલી દીધી હતી, ત્યારબાદ તે કંઇ બોલી શકી નહોતી. તે ફક્ત એટલું જ કહેવામાં સક્ષમ હતી, ‘ઘણી પીડા થાય છે, હવે હું બચીશ નહીં.’ જોકે બલરામપુરના એસપી દેવ રંજન વર્માએ કહ્યું છે કે હાથ, પગ અને કમર તોડી દેવાની વાત સાચી નથી, કેમકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આની પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પીડીતાના મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો જ્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે જ પીડિતાના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
• બીજી ઘટના આઝમગઢની છે જ્યાં ૨૦ વર્ષના એક યુવકે પાડોશમાં રહેતી આઠ વર્ષની કિશોરી સાથે રેપ ગુજારવાના અહેવાલ મળ્યા છે. આઝમગઢના એસપી સુધીર કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, જિલ્લાના જીયાનપુર ગામમાં એક યુવકે પાડોશમાં રહેતી આઠ વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ થઇ છે. આરોપી અને પીડિત પરિવાર પાડોશમાં રહેતા હોવાથી એકબીજાને જાણતા હતા. જ્યારે આરોપીએ પીડિતાને બહાર લઇ જઇને તેની સાથે રેપ કર્યો હતો અને જ્યારે કિશોરી લોહીથી લથબથ હાલતમાં ઘરે આવી ત્યારે ખબર પડી કે તેની સાથે દુષ્કર્મ થયું છે. ઘટના બાદ કિશોરીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત ગંભીર બતાવાઇ છે. પોલીસે કહ્યું કે, આરોપીની ધરપકડ કરાઇ છે અને તેની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે.
• ત્રીજી ઘટના બાગપતની છે જ્યાં ૧૭ વર્ષની યુવતીને બ્લેકમેઇલ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. દુષ્કર્મ બાદ પીડિતાએ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મંગળવારે મોડી રાતે યુવતીના પિતાએ પોલીસમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. રેપ પીડિતાએ ૨૭મી સપ્ટેમ્બરે ઝેરી દવા ગટગટાવી હતી અને બેભાન થઇ ગઇ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે પોતાના પિતાને આપવીતી જણાવી હતી ત્યારબાદ નસીમ નામના યુવક સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. ફરિયાદમાં કહેવાયું છે કે, પીડિતાને બ્લેકમેઇલ કરીને હેરાનગતિ બાદ તેની સાથે રેપ ગુજારાયો છે જેના કારણે તેણે મોતને ભેટવાનો નિર્ણય લીધો હતો. પોલીસે કહ્યું કે, આ ઘટનામા આરોપીની ધરપકડ કરી લેવાઇ છે અને તપાસ ચાલુ છે.
• ચોથી ઘટના યોગીરાજના બુલંદશહરની છે જ્યાં ૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ગુજારાયો હતો. બુધવારે રાતે કાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નાગલા ગોવિંદપુર ગામમાં એક પાડોશી દ્વારા આ કિશોરી સાથે રેપની ઘટના બની હતી. પોલીસ અનુસાર ૨૦ વર્ષના આરોપી રિઝવાનની યુવતીના પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરી લેવાઇ છે. બુલંદશહરના એસએસપી સંતોષ કુમારે કહ્યું છે કે, યુવતીના પિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરાઇ છે. તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, પીડિતા અને આરોપી બંને પાડોશી છે. આ ઘટના ૩૦મી સપ્ટમ્બરની રાતે બની હતી. પોલીસે એમ પણ કહ્યું કે, બંને પરિવારો એકબીજા સાથે સમાધાન કરવા માગતા હતા પરંતુ યુવતીના પિતાએ બુધવારે ફરિયાદ દાખલ કરી હતી.