(એજન્સી) તા.૧૨
દિલ્હી સ્થિત પત્રકાર અને કેરળ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટના સેક્રેટરી સિદ્દીક કપ્પનની તેઓ જ્યારે હાથરસમાં ૧૯ વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ અને હત્યાના રિપોર્ટીંગ માટે જઇ રહ્યાં હતાં ત્યારે ઉ.પ્ર. પોલીસ દ્વારા તેની ૫,ઓક્ટો.ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
ધી ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સિદ્દીક કપ્પન અને કેમ્પસ ફ્રંટ ઓફ ઇન્ડિયાના -આતિક-ઉર-રહેમાન, મસુદ અહેમદ અને આલમની સામે દેશદ્રોહના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. કપ્પનના પત્ની રાહિયાનાથ અને તેમના મિત્રોને કપ્પનને મળવા દેવામાં આવતાં નથી અને ધરપકડને એક મહિના કરતાં વધુ સમય વિતી ગયો છે. હાલ તે મથુરા જેલમાં છે. તેમના વકીલોનું કહેવું છે કે તેના કારણે જામીનની પ્રક્રિયા વધુ વિલંબમાં પડી છે. હવે પ્રશ્ન એ છે કે કપ્પનનો વાંક-ગુનો શું છે ? તેમના પત્ની રાહિયાનાથ કહે છે કે મારે તેમને એક વખત મળવું છે પછી ભલે વીડિયોકોલ દ્વારા મુલાકાત થતી હોય. કપ્પન ડાયાબિટીશના દર્દી છે અને અમે તેમની તબિયત અંગે અંધારામાં છીએ. અમારા વકીલો પણ કપ્પનને મળી શકતા નથી. હું હવે હિંમત ગુમાવી રહી છું. મથુરાની અદાલતે તાજેતરમાં કપ્પન સહિત ચાર આરોપીઓને એસટીએફ કસ્ટડીના રિમાન્ડ આપ્યા છે. પરંતુ તેમના પત્ની રાહિયાનાથ કહે છે કે સુપ્રીમકોર્ટે મારા પતિને અમોએ અરજી કર્યા બાદ તેમના માતા સાથે વાતચીત કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હજુ સુધી અમે વાત કરી શક્યાં નથી. અમારા વકીલો પણ તેમને મળી શકતાં નથી. કપ્પનની સહી વગર અમે જામીન અરજી દાખલ કરી શકતાં નથી. અમોએ એવા સમાચાર સાંભળ્યાં છે કે કપ્પનને ક્યાંકથી રૂા.૧ કરોડ મળ્યાં હતાં પરંતુ આ અફવા ફેલાવનારા લોકો એ વાત ભૂલે છે કે અમારા ઘરનું બાંધકામ ૮ વર્ષથી ચાલે છે. અમે તેમના પગારમાંથી બચાવતાં હતાં પરંતુ હવે બાંધકામ બંધ કરી દેવું પડ્યું છે. મારા પતિને હવે જેલમાંથી મુક્ત કરો એવી મારી અપીલ છે. ચાર્જશીટ દાખલ કર્યા વગર અને પુરાવાઓ રજૂ કર્યા વગર કોઇની અચોક્કસ મુદ્દત માટે ધરપકડ કરવી એ આપણી લોકશાહી પ્રણાલિના ભાગરુપ નથી. આપણા બંધારણમાં કોઇ પણ વ્યક્તિની ગેરકાયદે અટકાયત કરવી એ ગ્રાહ્ય નથી અને માનવ અધિકારનો ભંગ છે.