(એજન્સી) તા.૫
ઉ.પ્ર.માં હાથરસ ખાતે ગેંગરેપની સગીરા પીડિતાએ પોતાના મૃત્યુના એક અઠવાડિયા પહેલા ૨૨, સપ્ટે. અલીગઢમાં મેજીસ્ટ્રેટ સમક્ષ પોતાનું મરણોન્મુખ નિવેદન (ડાઇંગ ડેકલેરેશન) આપ્યું હતું. પીડિતાએ પોતાના મરણોન્મુખ નિવેદનમાં ૪ શખ્સો-સંદિપસિંહ, રામુસિંહ, રવિસિંહ અને લવકુશ સિંહના નામો આપ્યાં હતાં અને આ ચારેયની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
પીડિતાએ પોતાના ડાઇંગ ડેકલેરેશનમાં એવો આક્ષેપ કર્યો હતો કે આ ચારેસ શખ્સોએ ૧૪, સપ્ટે.ના રોજ તેના પર બળાત્કાર ગુજારવા ઉપરાંત શારીરિક હુમલા પણ કર્યા હતા. ટ્રાયલ કોર્ટ સમક્ષ જ્યારે ડાઇંગ ડેકલેરેશનની સંપૂર્ણ ટેક્સ્ટ રજૂ કરવામાં આવશે ત્યારે પીડિતાના આક્ષેપોની કાયદેસરતા ઉપર તે પ્રકાશ ફેંકશે. પરંતુ સફદરજંગ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ ડેથ સમરી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આખરી નિદાન તરીકે તેનું ગળું દબાવવાના, કરોડરજ્જુમાં ઇજા, હૃદય બંધ પડી જવું અને સેપ્ટીકથી મૃત્યુ થયું હોવાનું જણાવાયું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના યોનિમાર્ગમાં જખમના નિશાનો પણ જોવા મળ્યાં હતાં. આ પ્રારંભિક તારણો મરણોન્મુખ નિવેદનની વિગતો સાથે મેચ થાય છે. જો કે ફોરેન્સિક રિપોર્ટના આધારે તેના શરીર પર વીર્યના અંશો મળી નથી આવ્યાં એવા કારણસર ઉ.પ્ર. પોલીસે ગેંગરેપના આક્ષેપોને નકાર્યા છે તે બાબત પણ વિચારણામાં લેવામાં આવશે અને સંભવતઃ પોલીસના આ દાવાને ફગાવી દેવાશે કારણ કે બળાત્કાર થયો છે એવા નિષ્કર્ષ પર આવવા માટે પીડિતાના શરીર પર વીર્યના અંશો હોવા જોઇએ એવી કોઇ પૂર્વ શરત હોતી નથી. આ ઉપરાંત ઇન્ડિયન એવીડન્સ એક્ટની કલમ-૩૨(૧) હેઠળ જ્યારે વ્યક્તિ સભાન અવસ્થામાં હોય અને વ્યક્તિ એવું જાણતી હોય કે પોતાનું મૃત્યુ હવે નિશ્ચિત છે ત્યારે આવી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ નિવેદનને કેટલાક કેસોમાં ટ્રાયલ દરમિયાન પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આમ ડાઇંગ ડેકલેરેશન એ વિશ્વસનીય માનવામાં આવે છે કારણ કે તેનો આધાર એવો હોય છે કે મૃત્યુ પામી રહેલી વ્યક્તિ જૂઠું બોલતી નથી. નિર્ભયા કેસમાં પણ પીડિતાએ ત્રણ જુદી જુદી તારીખે ત્રણ મરણોન્મુખ નિવેદન આપ્યાં બાદ તેનું મૃત્યુ થયું હતું અને આ ત્રણેય નિવેદનો અદાલત દ્વારા કાનૂની તરીકે સ્વીકારવામાં આવ્યાં હતાં અને તેથી આ કેસમાં નિર્ભયાનો દાખલો આધારરુપ બનશે.