(એજન્સી)                  તા.૪

તમામ રાજ્યોને કોઇ પણ વિષય પર સત્તાવાર વલણ રજૂ કરવા માટે માહિતી વિભાગ હોય છે, પરંતુ એક માત્ર આત્મનિર્ભર ઉ.પ્ર.સરકારને હાથરસમાં ૧૯ વર્ષની દલિત યુવતી પર ગેંગ રેપ થયો ન હતો એવો પોતાનો વિવાદાસ્પદ દાવાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એક પબ્લિક રીલેશન કંપનીની સેવાઓ હાયર કરવાની જરૂર જણાય છે. ગુરૂવારે રાત્રે ભારતમાં વિદેશી સંવાદદાતાઓ અને કેટલાક રાષ્ટ્રીય મિડીયાના સંવાદદાતાઓને મુંબઇ સ્થિત પીઆર કંપની કોન્સેપ્ટ પીઆર તરફથી એક સ્પષ્ટતા નોંધ વ્યાકરણ દોષ ધરાવતી હેડલાઇન સાથે મળી હતી. જેમ કે હાથરસ ગર્લ વોઝ નોટ રેપ, રિવીલ ફોરેન્સિક ઇન્વેસ્ટીગેશન, પ્રિલિમિનરી  મેડિકલ એન્ડ પોસ્ટમોર્ટમ રિપોર્ટ. આ ઉપરાંત આ નોંધમાં એવું લખવામાં આવ્યું હતું કે અહેવાલો દ્વારા એવું જાહેર થયું છે કે રાજ્યને જ્ઞાતિ વિગ્રહમાં ધકેલવાની આ સાઝીશ છે. સીટ આ સમગ્ર ઘટના પાછળની અનિષ્ટકારી યોજનાને ચોક્કસપણે ઉઘાડી પાડશે. આ પ્રકારની પ્રેસ નોટમાં આ પ્રકારનો ખાસ ઉલ્લેખ ઘરેલુ મિડીયા ગૃહ માટે ચેતવણી સમાન છે કારણકે ઘરેલુ મિડીયાએ હાથરસની ઘટનાને ગેંગરેપ તરીકે ગણાવી હતી. આ દ્વારા એક એવો વ્યાપક સંદેશ પણ આપવામાં આવ્યો છે કે નયા ભારતમાં બળાત્કારની ઘટનાઓ ઘટતી નથી. ખાસ કરીને જ્ઞાતિ અન્યાયની વાસ્તવિકતા દર્શાવે એવી કોઇ ઘટના ઘટતી નથી અને ૨૦૧૨ના નિર્ભયા રેપ કેસની જેમ આ કેસ પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત થાય એ સ્વીકાર્ય રહેશે નહીં. ન્યૂયોર્ક ટાઇમ્સ અને ધ ગાર્ડિયન જેવા આંતરરાષ્ટ્રીય અખબારોમાં રેપ પિડીતાના મૃત્યુની હેડલાઇન પ્રસિદ્ધ થવાના પગલે ઉ.પ્ર.સરકારે પબ્લિક રીલેશન કંપનીની સેવા લીધી હશે એવું માનવામાં આવે છે. અદિત્યનાથ સરકારને આ પ્રકારનું કવરેજ ઊગતું જ ડામી દેવા માટે મીડિયા વ્યૂહરચનાની જરુર હતી અને પક્ષનો સોશિયલ મિડીયા અને અન્યત્ર બચાવ કરવા માટે ભાજપના એનઆરઆઇ સમર્થકોને કેટલોક દારુગોળો પૂરો પાડવાનો આશય હતો.