(એજન્સી) તા.૧૫
અમારા માટે આ ઘણો વિકટ સમય છે. હું આશા રાખું કે મારી બહેનને જે યાતનામાંથી પસાર થવું પડ્યું હતું એવું કોઇ અન્ય સાથે ન થાય. આજથી બરાબર એક વર્ષ અગાઉ એટલે કે ૧૪, સપ્ટે. ૨૦૨૦ના રોજ ઉ.પ્ર.ના હાથરસમાં સવર્ણ ઠાકુરો દ્વારા એક દલિત સગીરા પર સામૂહિક બળાત્કાર કરીને હત્યા કરાઇ હતી તે સગીરાના ભાઇએ આ વ્યથા વ્યક્ત કરી હતી. આ ઘટના માત્ર ગેંગ રેપની જ ન હતી પરંતુ પોલીસ દ્વારા એના બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યાં હતાં. પીડિતાનું મરણોન્મુખ નિવેદન રેકર્ડ કર્યા બાદ સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પીડિતાના આ નિવેદનના આધારે સીબીઆઇએ પાછળથી આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પીડિતાના મૃત્યુના ત્રણ મહિના બાદ સીબીઆઇએ ૧૮, ડિસે.ના રોજ પોતાની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી જેમા ગેંગરેપ અને હત્યા માટે ચાર શખ્સો પર આરોપ મૂકાયો હતો અને યુપી પોલીસ પર લાપરવાહીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આજે આ ખોફનાક ઘટનાને એક વર્ષ વિતી ગયું હોવા છતાં પીડિત પરિવારને હજુ ન્યાય મળ્યો નથી અને આ પરિવાર ન્યાયની પ્રતિક્ષા કરી રહ્યો છે. પીડિતાનો પરિવાર સરકારે આપેલ વચનો પાળવા નહી બદલ ખફા છે. પીડિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર સરકારે તેમને આર્થિક મદદ ઉપરાંત મકાન અને એક પરિવારના સભ્યને નોકરી આપવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી તેમને મકાન કે નોકરી કંઇ મળ્યું નથી. પરિવારના વકીલ સીમા કુશવાહના જણાવ્યા પ્રમાણે નાણાકીય વળતરનો એક ભાગ પણ હજુ ચૂકવાયો નથી. ગામના અનેક રહેવાસીઓ આરોપી શખ્સોની તરફેણમાં ખુલ્લેઆમ આવ્યાં હતાં. ગઇ સાલ ભાજપના સભ્ય રાજવીર પહેલવાનના ઘરે ચાર આરોપીઓના સમર્થનમાં એક રેલી યોજવામાં આવી હતી જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. પીડિતાના ભાઇએ ધ વાયરને જણાવ્યું હતું કે હજુ પણ તેમના પરિવારને ગ્રામજનોના બદનક્ષીકારક આક્ષેપોનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યું હતું કે તેમના ગામના લોકો તેમને રાષ્ટ્રવિરોધી અને દેશદ્રોહીઓ ગણાવીને સોશિયલ મીડિયા પોસ્ટ પર વાંધાજનક લખાણ કરે છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે ભારત ભૂમિ કમ પડ જાયેગી તુમ લોગોકો, તુમ પાકિસ્તાન ચલે જાઓ. અલબત્ત સુપ્રીમ કોર્ટના ૨૭, ઓક્ટો. ૨૦૨૦ના આદેશ અનુસાર પરિવારજનોને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ હજુ આ ઘટના માટે તેમની સાથે ન્યાય થયો નથી.