ગાંધીનગર, તા. ૬
૭ જૂન, વર્લ્ડ ફૂડ સેફ્‌ટી ડે તરીકે ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશનના એક સર્વે અનુસાર દર વર્ષે આશરે ૬ મીલિયન લોકો ફૂડબોર્ન બીમારીથી પીડાય છે. તેથી યૂએન તરફથી ૭ જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્‌ટી ડેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો જેનો સ્વિકાર થયો. વર્લ્ડ ફૂડ સેફ્‌ટી ડેની ઉજવણીનો હેતુ દરેક નાગરિકોને પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત કરવા માટેનો છે. રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ વધુમાં જણાવ્યું હતુ કે, આજે જયારે વિશ્વ આખામાં કોરોના સામે લડતાં લડતાં જનજીવન પુનઃ ધબકતું થયુ છે એવા સમયે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ અને શું કાળજી રાખવી જોઈએ એ બાબત ખુબ જ મહત્વનું બની જાય છે. એક અભ્યાસ મુજબ આપણી એક સામાન્ય આદત દુનિયાની કોઈ પણ બિમારીથી આપણને બચાવી શકે છે અને એ આદત છે વારંવાર હાથ ધોવાની. ત્યારે હવે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે.આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પોષણયુક્ત છે કે નહીં, સ્વચ્છ છે કે નહીં, બૅક્ટેરિયા, વાઇરસ કે બીજાં જંતુઓથી મુક્ત છે કે નહીં, કેમિકલ્સ કે ઝેરી તત્વોથી મુક્ત છે કે નહીં એ જોવું અને જાણવું ખૂબ જ જરૂરી છે. જો ખોરાક શુદ્ધ હશે તો જ વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. ખોરાક જ્યારે અશુદ્ધ હોય, ભેળસેળયુક્ત હોય, સ્વચ્છ અને તાજો ન હોય ત્યારે વ્યક્તિને સામાન્ય ઝાડા-ઊલટીથી લઈને કૅન્સર સુધીની બીમારીઓ થઈ શકે છે. ખોરાક દ્વારા જે રોગો થાય છે એને ત્રણ ભાગોમાં વિભાજીત કરી શકાય છે. જેમાં બૅક્ટેરિયાથી થતા રોગો, વાઇરસથી થતા રોગો અને પૅરૅસાઇટ એટલે કે જંતુથી થતા રોગોનો સમાવેશ થાય છે. ત્યારથી તંત્ર દ્વારા ખાદ્ય સલામતિ ક્ષેત્રે અનેક અસરકારક પગલાઓ લેવામાં આવ્યા છે. દેશની સૌ પ્રથમ “ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ” તરીકેનું સન્માન કાંકરીયા, અમદાવાદને મળ્યું છે. ત્યાર બાદ રાજ્યની અન્ય ૮ એમ ગુજરાતની કુલ ૯ સ્ટ્રીટને “ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ”નાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.