(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
રપ મેના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી થવાની છે. ત્યારે અનેક મુસ્લિમ વિદ્વાનો અને સંગઠનોએ કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખી સમુદાયના લોકોને ઘરે નમાઝ પઢવાની અપીલ કરી હતી. આ મુસ્લિમ અગ્રણીઓએ ઈદની ખરીદી માટે બહાર ન નીકળવાની પણ અપીલ કરી હતી. દિલ્હી સ્થિત જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ એક વીડિયો મેસેજમાં મુસ્લિમોને અપીલ કરી હતી કે, તેઓ ઈદની નમાઝ મસ્જિદમાં નહીં પરંતુ ઘરમાં જ પઢે. ઈમામ બુખારીએ કહ્યું હતું કે, હું દિલ્હીના મુસ્લિમોને અપીલ કરું છું કે તમે જેવી રીતે છેલ્લા કેટલાક મહિનાથી ઘરે ધૈર્ય રાખી નમાઝ પઢી છે તેવી જ રીતે ઈદની નમાઝ પણ મસ્જિદો કે ઈદગાહમાં પઢવાને બદલે ઘરમાં પઢવી જોઈએ. આ વીડિયો ઈમામ બુખારીના પુત્ર અને નાયબ ઈમામ શાબાન બુખારીના ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઈમામ બુખારી ઉપરાંત અન્ય મુસ્લિમ ધર્મગુરૂઓએ પણ મુસ્લિમોને ઘરે રહી નમાઝ પઢવાની અપીલ કરી હતી. લોકસભાના સાંસદ અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ બદરૂદ્દીન અજમલે ગયા અઠવાડિયે એક વીડિયો બહાર પાડી કહ્યું હતું કે, ઈદના તહેવાર માટે ખરીદી કરવી ફરજિયાત નથી. આ જ રીતે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ પણ દરેકને વિનંતી કરી હતી કે આ વર્ષે ઈદની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવે. લખનૌ સ્થિત દારૂલ ઉલૂમ ફિરંગી મહલે ફતવો બહાર પાડી ઈદના દિવસે ઘરની બહાર ન નીકળવાની અને ઓનલાઈન ઈદની મુબારકબાદી આપવાની અપીલ કરી હતી. આ ફતવામાં કહેવામાં આવ્યું હતું કે, લોકોને મળવા માટે બહાર ન નીકળો, ફોન પર ઈદની મુબારકબાદી આપો, હાથ ન મિલાવો તેમજ કોઈને પણ ન ભેટો.
હાથ મિલાવવાનું, ભેટવાનું તેમજ મસ્જિદમાં નમાઝ પઢવાનું ટાળો : મુસ્લિમ વિદ્વાનોએ સમુદાયને ઘરે રહી ઈદની ઉજવણી કરવાની અપીલ કરી

Recent Comments