(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
પોતાની મરજીથી ઇસ્લામ અંગિકાર કર્યો છે અને પોતાની મરજીથી જ શફીન જહાં સાથે લગ્ન કર્યા છે તેવા સોગંદનામા સાથે હાદિયા ઉર્ફે અખિલાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાના પતિ શફીન જહાં સાથે રહેવાની પરવાનગી માગી હતી. હાદિયાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે, ઇસ્લામનો અભ્યાસ કર્યા બાદ મેં મારી સ્વતંત્રતાથી અને પસંદગીથી ઇસ્લામની શ્રદ્ધાનો અંગિકાર કર્યો છે અને તે બાદ મેં શફીન જહાં નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જોકે, મેં મારા વકીલ દ્વારા મારા વતી કેરળ હાઇકોર્ટમાં સતત સોગંદનામા રજૂ કર્યા અને તેમાં જણાવ્યું છે કે, મારા ધર્મ અને જીવનસાથીની પસંદગી મારી મરજીથી કરી હોવા છતાં હાઇકોર્ટ મારી અરજીઓ પર ધ્યાન આપતી નથી. કેરળની હિંદુ યુવતી અખિલાએ ઇસ્લામ અંગિકાર કર્યા બાદ મુસ્લિમ વ્યક્તિ શફીન જહાં સાથે લગ્ન કર્યા. પરંતુ ગયા વર્ષે મે માસમાં કેરળ હાઇકોર્ટે આ લગ્નને ગેરકાયદે ગણાવ્યા હતા. સુપ્રીમ સમક્ષપોતાની અરજીમાં હાદિયાએ પોતાના વાલી તરીકે શફીન જહાંને રાખવા અપીલ કરી છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે, તેના પિતા કેએમ અશોકન કેટલાક લોકોના પ્રભાવમાં આવીને મારી મરજીથી ધર્મ અંગિકાર કરવા દેતા નહોતા. હું નહોતી જાણતી કે મારા પુજારી પિતા અન્ય ધર્મમાં જવા અને અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવા શા માટે ઇન્કાર કરે છે. મારા પિતા પાછળ અધિકારીઓ અને જાહેર લોકો બંને લાગેલા છે તે પણ મેં મારી અરજીમાં સામેલ કર્યું છે. હું ન્યાયમાં વિશ્વાસ રાખું છુ અને એવી આશા છે કે કોર્ટ મારી તરફે યોગ્ય નિર્ણય આપશે અને આવા લોકો વિરૂદ્ધ આકરા પગલાં લેશે જેમણે મારી હેરાનગતિ કરી છે અને દયાભાવ રાખ્યો નથી. હાદિયાએ ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધો હોવાના આરોપો નકારી કાઢતા કહ્યું કે તે ભારતીય નાગરિક તરીકે જીવે અને મરશે. તપાસ સંસ્થા દ્વારા મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ખોટા આરોપો લગાવાયા છે આ લોકો મારા પિતા પાછળ પણ ભૂમિકા ભજવી રહ્યા છે અને હું તેઓને સાંભળતી નથી. આ લોકોએ મારી ડોક્ટર તરીકેની કારકિર્દી તોડી પાડવા માટે મારા પર આઇએસમાં સામેલ હોવાનો આરોપ મુક્યો હતો. તેમની કસ્ટડીમાં ઘણી ઇજાઓ પહોંચાડવામાં આવી છે. હું મારા પરિવારને નફરત કરતી નથી. હું મારા પરિવાર તરીકે તેમને ફગાવી પણ નથી રહી. મારો પરિવાર મને ઇસ્લામ છોડ્યા બાદ તેમના ઘરમાં પ્રવેશ આપશે પરંતુ હું ઇસ્લામ છોડવા માગતી નથી. હું ફક્ત ભારતીય થઇને જીવવા તથા મરવા માગું છું અને મારા આ અધિકારને કોઇ પડકાર આપી શકતો નથી. હાદિયાએ એમ પણ કહ્યું કે, એનઆઇએના અધિકારીઓએ મારી સાથે અપરાધીઓ જેવો વર્તાવ કર્યો હતો. મારો કોઇ ગુનો ન હોવા છતાં મારી શારીરિક હેરાનગતિ કરવામાં આવી હતી. પરંતુ ભારતનું ંબધારણ મને અધિકાર આપે છે કે, હું મારી મરજીથી કોઇ ધર્મનો અંગિકાર કરી શકું અને મારી મરજીની વ્યક્તિ સાથે લગ્નકરી શકું છું.