(એજન્સી) વોશિંગ્ટન, તા.૩
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલાં અમેરિકાએ મોટી કાર્યવાહી કરતા મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને (એમએમએલ) આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. અમેરિકાના આ પગલાંનું ભારત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. અમેરિકાએ સોમવારે તહરીક-એ-આઝાદી-એ-કાશ્મીરને (ટીએજેકે) પણ આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કરી દીધું છે. ટીએજેકેને લશ્કર-એ-તૈયબાનું ફ્રન્ટ માનવામાં આવે છે જે અમેરિકા અનુસાર, પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર સંચાલિત થાય છે, તેના એક દિવસ અગાઉ જ પાકિસ્તાન ચૂંટણી પંચે એમએમએલને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ ક્લિયરન્સ સર્ટિફિકેટ રજૂ કરવાનું જણાવ્યું હતું. પાકિસ્તાન ચૂંટણી પંચે પહેલાં એમએમએલને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાનો ઈન્કાર કર્યો હતો. કારણ કે ગૃહમંત્રાલયે તેના પ્રતિબંધિત સંગઠનો સાથે સંબંધ હોવાને લીધે વાંધો દર્શાવ્યો હતો. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે, આ પગલાંનો હેતુ લશ્કર-એ-તૈયબાને તે સંસાધનો સુધી પહોંચવાથી રોકવાનો છે, જેનાથી તે અન્ય આતંકી હુમલાઓને અંજામ આપી શકે. વિદેશ વિભાગમાં આતંકવાદ વિરોધીના સંયોજક નૈથન સેલ્સે કહ્યું, ભૂલ ના કરો. લશ્કર-એ-તૈયબા પોતાને કંઈ પણ કહે, પરંતુ તે એક હિંસક આતંકી સમૂહ રહેશે. અમેરિકા લશ્કર-એ-તૈયબાને રાજકારણમાં ન આવવા દેવાના તમામ પ્રયાસોનું સમર્થન કરશે. આ પ્રતિબંધ બાદ હવે અમેરિકામાં રહેલ લશ્કર-એ-તૈયબાની તમામ સંપત્તિઓને જપ્ત કરવાનો અધિકાર હશે. લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનમાં નિર્ભયપણે સંચાલિત થાય છે, રેલીઓ યોજે છે, ભંડોળ એકઠું કરે છે અને આતંકી હુમલાની યોજના ઘડવાની સાથે જ તાલીમ પણ આપે છે. અમેરિકાએ ર૬ ડિસેમ્બર ર૦૦૧માં જ લશ્કર-એ-તૈયબાને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. ત્યારબાદ સંગઠનના ગેંગસ્ટર હાફિઝને પણ અમેરિકાએ આતંકીઓની યાદીમાં સામેલ કર્યો છે. અમેરિકા વિદેશ વિભાગે આરોપ મૂક્યો છે કે, પ્રતિબંધોથી બચવા માટે લશ્કર-એ-તૈયબા વર્ષોથી પોતાનું નામ બદલતું આવી રહ્યું છે.