(એજન્સી) ઈસ્લામાબાદ, તા.પ
જમાત-ઉદ-દાવાના અધ્યક્ષ હાફિઝ સઈદનું નામ યુએનની સુરક્ષા પરિષદે ત્રાસવાદીઓની યાદીમાં મુક્યું હતું એના બીજા દિવસે પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે પાકિસ્તાન સરકારને આદેશ આપ્યો છે કે હાફિઝ સઈદને ત્રાસ આપવાનું બંધ કરો અને એમને સામાજિક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપો. મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ સઈદે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે સરકાર અમારી સખાવતી યોજનાઓને બંધ કરાવી રહી છે. સરકાર ભારત અને અમેરિકા સામે ઝૂકી ગઈ છે જેના લીધે આ પ્રકારના પ્રયાસો કરે છે. અમેરિકાની યાદીમાં સઈદ ત્રાસવાદી છે જેની ઉપર એમણે ૧૦ મિલિયન ડૉલરનું ઈનામ જાહેર કર્યું છે.
અરજીમાં જણાવાયું છે કે સખાવતી કાર્યો ઉપર પ્રતિબંધ મૂકવો બંધારણની વિરૂદ્ધ છે. જજ અમીનુદ્દીનખાને સરકારને નિર્દેશો આપ્યા હતા અને ર૩મી એપ્રિલ સુધી જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આ જ પ્રકારની અરજી સઈદે માર્ચ મહિનામાં દાખલ કરી હતી. કોર્ટે બંને અરજીઓની ભેગી સુનાવણી કરવા જણાવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાને જેયુડી અને અન્ય સંગઠનો જેમને યુએનની સુરક્ષા પરિષદે પ્રતિબંધિત જાહેર કર્યા હતા. એ સંગઠનો ઉપર પાકિસ્તાને પણ પ્રતિબંધો મૂક્યા હતા. સરકારે એમના બેન્ક ખાતાઓ પણ સ્થગિત કર્યા હતા.
સઈદે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે જો યુએન સુરક્ષા પરિષદના કાયદાઓ દેશના કાયદાઓ સામે સંઘર્ષમાં આવતા હોય તો દેશના કાયદાઓને પ્રાધાન્ય આપવું જોઈએ. અમારી સંસ્થા એફઆઈએફ પાસે ૩૬૯ એમ્બ્યુલન્સો છે. ૭ર૦૦૦ લોકોને ચેરિટી હોસ્પિટલોમાં મદદ કરી છે અને ૬ લાખ લોકોની સારવાર ર૦૧૭ના જ વર્ષમાં કરી હતી. સઈદે કોર્ટને વિનંતી કરી હતી કે સરકારે અમારી સંસ્થા ઉપર મૂકેલ પ્રતિબંધો રદ્‌ કરવા જોઈએ.