ક્રાઈસ્ટચર્ચ,તા.૨
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ ૨-૦થી હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ અચાનક જબરદસ્ત ગુસ્સે થયો હતો. કોન્ફરન્સ દરમિયાન પત્રકારે પૂછેલા એક સવાલ પર કોહલીએ પોતાના પરનો કાબૂ ગુમાવ્યો હતો.
રવિવારે બીજા દિવસે કેન વિલિયમસન અને ટોમ લાથમના આઉટ થયા બાદ કોહલી આક્રમકતાથી ઉજવણી કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે કોહલી દર્શકો તરફ જોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગમાં મોહમ્મદ શમીએ ટોમ લાથમને આઉટ કર્યો હતો. એક પત્રકારે કોહલીને પૂછ્યું કે શું તેમને તેમની ટીમ માટે એક દાખલો બેસાડવા માટે પોતાની આક્રમકતા પર લગામ લગાવવાની જરૂર છે?
પત્રકારના આ સવાલ પર કોહલી થોડો ગુસ્સે થઈ ગયો. કોહલીએ કહ્યું કે, ‘તમને શું લાગે છે? હું તમારાથી આનો જવાબ માંગું છું. તમને એ સારી રીતે ખબર હોવી જોઈએ કે ત્યાં શું થયું હતું. ત્યાર બાદ વધુ સારા સવાલ સાથે આવજો. મે મેચ રેફરી સાથે વાત કરી લીધી છે. તમે અડધી માહિતી સાથે અહીં નહીં આવી શકતા. આભાર.’ ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ સારો રહ્યો નથી. આખા પ્રવાસ દરમિયાન કોહલીએ માત્ર એક વખત ૫૦ નો આંકડો પાર કર્યો હતો. ટેસ્ટ સીરીઝમાં તો કોહલીએ ૨૦ રન પણ બનાવી ન શક્યો. ન્યૂઝીલેન્ડે હેગલી ઓવલમાં ૭ વિકેટથી જીત મેળવી છે.