પાટણ, તા.૧૯
હારીજ તાલુકાના બોરતવાડામાં વચ્ચે બાઈક અને મુસાફરો ભરી દોડતા ખાનગી વાહન પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ ડાલાની ટક્કરે બાઈકસવાર પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઈજા થતાં સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવી હતી.
હારીજ તાલુકાના જમણપુર ગામના વતની અને હાલ હારીજ રહેતા જોષી નીતિનકુમાર નટુભાઈ (ઉ.વ.૩ર) પત્ની અને પુત્ર સાથે બાઈક પર હારીજથી વેજાવાડા જઈ રહ્યા હતા ત્યારે બોરતવાડા અને માંકા ગામ વચ્ચે સામેથી પુરઝડપે ખાનગી મુસાફરો ભરી આવી રહેલ પીકઅપ ડાલાના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવી બાઈકને જોરદાર ટક્કર મારતા જોષી નીતિનકુમાર નટુભાઈ અને પુત્ર વેદાંત (ઉ.વ.૧૦)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની વર્ષાબેનને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમયે હારીજ પી.એસ.આઈ. જોષી ચૂંટણીની કામગીરીને અનુલક્ષી પસાર થતા તેઓએ મહિલાને સારવાર માટે ખસેડી હતી. બનાવ અંગે હારીજ પોલીસે પીકઅપ ડાલા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.