પાટણ, તા.ર૯
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે મેઈન બજારમાં આવેલી એક દુકાનના મહેતાજી સહિતના માણસો વધાવવાની તૈયારીમાં હતા ત્યારે ધસી આવેલા ત્રણ શખ્સોએ છરીની અણીએ રોકડ રકમ ભરેલો થેલો લૂંટી લઈ પલાયન થઈ ગયા હતા.
પોલીસે બાતમીના આધારે ઉક્ત લૂંટમાં સંડોવાયેલા બે લૂંટારૂને ઝડપી પાડ્યા હતા. એલસીબી પીઆઈ ભટોળના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે અંબાલાલને ખાનગી રાહે હકીકત મળેલ જેથી તેઓ રોડા નજીક વોચમાં રોકાયેલા હતા ત્યારે બાઈક નં. જી.જે.-ર સીએચ-૭૯૩૭ પર શંકાસ્પદ હાલતમાં બે શખ્સો આવેલ જેઓને અટકાવી પૂછપરછ કરતાં (૧) યશપાલસિંહ ઈન્દુભા ઝાલા રહે. વડા, ભાવાણી પાટી અને (ર) લાલુભા રણુભા વાઘેલા રહે. વડા ભાવાણીપાટી વાળાઓ હોવાનું જણાવેલ અને તેઓની સઘન પૂછપરછ કરાતાં આ બંને શખ્સોએ અન્ય એક લાલભા બચુભા વાઘેલા સાથે મળી હારીજની પેઢી પરથી રોકડ રકમ ભરેલા થેલાની છરીની અણીએ લૂંટ ચલાવી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ શખ્સોની અંગઝડતી કરતા તેમની પાસેથી રોકડ રકમ રૂા.૪પ હજાર, એક છરી અને મોટરસાયકલ તેમજ મોબાઈલ ફોન નં.૩ એમ કુલ મળી રૂા.૮પ,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખ્સોને વધુ તપાસના કામે હારીજ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.