નવી દિલ્હી, તા.૬
હાર્દિક પંડ્યાએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા શુક્રવારે ડીવાય પાટીલ ટૂર્નામેન્ટમાં સદી મારી હતી. તેણે રિલાયન્સ-૧ માટે રમતા બીપીસીએલ વિરુદ્ધ સેમિફાઇનલમાં ૫૫ બોલમાં ૨૦ સિક્સ અને ૬ ફોરની મદદથી ૧૫૮ રન કર્યા હતા. આ હાર્દિકની એક અઠવાડિયામાં બીજી સેન્ચુરી છે. તેણે થોડા દિવસો પહેલા સીએજી વિરુદ્ધ ૩૯ બોલમાં ૧૦૫ રન ફટકાર્યા હતા. હાર્દિકની ઇનિંગ્સ થકી રિલાયન્સે ૨૩૮ રન કર્યા હતા.
પીઠની ઇજા પછી કમબેક કરતા હાર્દિકે આ ટૂર્નામેન્ટથી સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાની શરૂઆત કરી છે. તે છેલ્લે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ રમ્યો હતો. હાર્દિકે સીએજી સામેની મેચ પછી ડીવાય પાટીલ સ્પોટ્‌ર્સ એકેડમીના ફેસબુક પેજ પર કહ્યું હતું કે, હું ૬ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. આ મારી બીજી ગેમ છે અને હું જે રીતે રમ્યો છું તેનાથી ખુશ છું. હું કોઈ પ્લાન સાથે બેટિંગ નથી કરતો, જો બોલ મારા એરિયામાં પિચ થાય તો શોટ મારુ છું.”