નવી દિલ્હી,તા.૩
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર અને હાર્દિકના જ શહેર વડોદરાના વતની ઇરફાન પઠાણનું માનવું છે કે હાર્દિકના પરફોર્મન્સમાં હજી એવી ચમક આવી નથી જે બેન સ્ટોક્સ કે જેસન હોલ્ડરમાં જોવા મળે છે. એક વેબલાઇટ પર ઇરફાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પ્રદર્શન પર ચર્ચા કરી રહ્યો હતો. તેણે કહ્યું કે બેન સ્ટોક્સ એક એવો ઓલરાઉન્ડર છે જે ઇંગ્લેન્ડને ગમે તેવી પરિસ્થિતિમાંથી વિજય સુધી પહોંચાડી શકે છે. હું ઇચ્છું છું કે ભારત પાસે આવો ઓલરાઉન્ડર હોય. હાર્દિક પંડ્યામાં આ ક્ષમતા છે પરંતુ તે રમતના કોઈ પણ ફોર્મેટમાં આ કક્ષાએ પહોંચ્યો નથી કે તે ટોપ ૧૦માં પણ નથી. ટેસ્ટ અને વન-ડેમાં રવીન્દ્ર જાડેજા મોખરે છે. કમનસીબે હાર્દિક આઇસીસીના ઓલરાઉન્ડર્સના ક્રમાંકમાં પણ ટોપ ૧૦માં નથી. તેનામાં ક્ષમતા ચોક્કસ છે પરંતુ મારા મતે ઓલરાઉન્ડરમાં મેચ જિતાડી આપવાની ક્ષમતા હોવી જોઇએ. કપિલદેવની નિવૃત્તિ બાદ ભારતીય ટીમ એક ઝડપી બોલર ઓલરાઉન્ડરથી વંચિત છે. પણ હજી સુધી તેને આ પ્રકારનો ઓલરાઉન્ડર મળ્યો નથી. ઇરફાને કહ્યું હતું કે આજે આપણી પાસે ઘણા મેચ વિનર છે પરંતુ સારો ઓલરાઉન્ડર નથી.